પૃષ્ઠ:Rasdhar 3 C.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૫

ભાઈ!


રાંપીનો[૧] રાખણહાર, કલબાં લે વેત્રણ કિયા,
વીજળી તણો વિચાર, તેં કિ જાણ્યો જોગડા !

હે વીરા જોગડા, તું તો રાંપી લઈને મરેલા ઢોરનાં ચામડાં ચીરવામાં કુશળ કહેવાય. એને બદલે તેં તલવાર લઈને શત્રુઓને ચીરી નાખ્યા. તને તલવાર વાપરવાની યુક્તિ આપોઆપ ક્યાંથી સૂઝી ગઈ ?

વિલાપ આગળ વધે છે, નવી કલ્પનાઓ ઊગે છે. હૈયામાં જાણે હરિ જાગે છે:

આગે છેલ્લી ઊઠતો, પે'લી ઊઠ્યો પાંત,
ભૂંપાંમાં પડી ભ્રાંત, જમણ અભડાવ્યું જોગડા !

હે જોગડા ભાઈ, તું તો ઢેઢ. જમણમાં તારે તો હમેશાં સહુથી છેલ્લે બેસવાનો વારો આવે, પરંતુ આ જુદ્ધરૂપી જમણમાં તું તો પહેલી જ પંગતમાં બેસી ગયો. સહુથી પહેલવહેલો ત્રાટકીને મર્યો. તેં તો બીજા ભૂપતિઓનું ભોજન અભડાવી માર્યું, એટલે કે તેઓની કીર્તિને ઝાંખી પાડી.

આગળ કટક એારતો, કોલું આગ કરે,
એભલ કાંઉ ઓરે, (હવે) જાંગી ભાગ્યો જોગડા !

હે એભલ વાળા દરબાર, તારા સૈન્યરૂપી ચિચોડામાં તું અત્યાર સુધી તો શત્રુઓરૂપી શેરડીના સાંઠાને ઓરતો હતો, પણ હવે તું શી રીતે એ ચિચોડામાં શેરડી ઓરીશ ? કેમ કે એ ચીંચોડાની જાંઘરૂપી જે જોગડો, તે તો ભાંગી ગયેલ છે. ચિચોડો ફરશે જ શી રીતે ?

શંકરને જડિયું નહિ, માથુ ખળાં માંય,
તલ તલ અપસર તાય, જે જધ માચ્યે જોગડા!


  1. *આ વિષે બે મત છે; કોઈ કહે છે કે જે ઢેઢ ચાંપરાજ વાળાની સાથે રહી જેતપુર બાદશાહની ફોજ સામે મર્યો તેનું નામ જોગડો.(જુએા “રસધાર" ભા. ૧, “ ચાંપરાજ વાળો.”) બીજો મત એમ છે કે, ચાંપરાજ વાળાનો સાથી ઢેઢ નહોતો, ઝાંપડો હતો. જોગડો ઢેઢ તો મિતિયાળે સાત એભલની માંહેલાં એભલની સાથે થયો અને શત્રુની ફોજ સામે મરાયો.