પૃષ્ઠ:Rasdhar 3 C.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૩

ભાઈબહેન

પથ્થર બની ગયો ત્યારે રેશમિયો કારમી ચીસ પાડી ઊઠ્યો ! "એ બહેન, ખમૈયા કરી જાઃ હું જ તારો ભાઈ - હું જ રેશમિયો. મેં ઘોર પાપ કર્યું. હવે દયા કરી જા."

ચારણીના હાથમાં વાત નહોતી રહી. એના રોમ-રોમમાં જાગી ઊઠેલું સત હવે શમે નહિ. એના હાથમાંથી તીર છૂટી ગયું હતું. એ બોલી :

ભેડા ભેળાતે, વીણેલ વણુંને વાળીએ,
( પણ ) સાંઠી સુકાતે, રસ ન રિયો રેશમિયા !

હે ભાઈ ભેડા, કપાસના છોડમાંથી કપાસ વિણાઈ ગયો હોય, ખેતર કોઈએ ભેળી દીધુ હોય, તો તો ફરી પાણી પાઈને આપણે એને કોળવી શકીએ. ફરીવાર એને કપાસનો ફાલ આવે. પણ કપાસના છોડની સાંઠી સુકાઈ ગયા પછી એમાંથી રસ જ નીકળી જાય. ત્યારે એને પાણી પાવું નકામું. એ રીતે, હે વીર, તારા જીવનની સાંઠી જ સુકાઈ ગઈ. એટલું બધું કૂડ તારામાં વ્યાપી ગયું, કે હવે ફરી વાર એમાં પ્રાણ મૂકી ન શકાય.

ભેડાને ભોંય લેતે, દૃશ્યું ચારે ડૂલિયું,
સો ગાઉએ સગા, પંથ બધો માથે પડ્યો.

રેશમિયા ભેડાને મરવા ટાણે જ્યારે ભોંય લીધો – જમીન પર સુવાડ્યો ત્યારે ચારે દિશાઓ પડી ગઈ. અને હે મારા સાચા સગા, મારો સો ગાઉનો આખોય પંથ નિષ્ફળ નીવડ્યો.

આંખે અમરત હોય, ( તો ) જાતાંને જિવાડીએ,
( હવે ) ઝ૨વા માંડ્યું ઝેર, રસ ગ્યો રેશમિયા !

હે ભાઈ રેશમિયા, મારી આંખમાં અમૃત રહ્યું હોય તો તો મરતાને એક વાર એ દૃષ્ટિનું અમૃત છાંટીને જીવતો કરીએ. પણ હવે તો મારાં નેત્રોમાંથી દુનિયાના મતલબીપણા ઉપર ધિક્કારનું ઝેર ઝરવા લાગી ગયું, હવે મારી આંખમાંથી સંજીવનીનો રસ ખૂટી ગયો. મારો ઈલાજ નથી રહ્યો.