પૃષ્ઠ:Rasdhar 3 C.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૭

પિંજરાનાં પંખી

મહિનો આવ્યો. અગાઉ એક વાર જેઠો વાતવાતમાં બોલી ગયો હતો : “મેં તો મારું માથું શંકરને અર્પણ કર્યું છે.” કોઈકે આ વેણ સાંભળ્યાં, કોઈકે હસી કાઢ્યાં, ને એમ વાત રોળાઈટોળાઈ ગઈ હતી. પણ ફક્ત ચતુર ચારણીને હૈયે એના ભણકારા વાગી ગયા હતા. એની આંખો જેઠાની વાંસે વાંસે ભમવા માંડી હતી. જેઠાના મોં ઉપર દિવસે દિવસે નવીન કાન્તિ ઝળહળવા લાગી હતી.

અષાઢ મહિનાની દશમ અને શુક્રવારે જેઠાએ એક કાગળનો ખરડો લાવીને કરમાબાઈના હાથમાં મેલ્યો અને કહ્યું : “આમાં આપણી લેણદેણ લખી છે. તેમાં જેની જેની થાપણ નેાંધેલ હોય તેને તેને પાઈએ પાઈ ચૂકવી દેજે.”

“મને કાં સોંપો ?”

“મારે ગામતરે જાવું છે.”

“હું જાણું છું, પણ હું તો તમારા મોઢા આગળ હાલી નીકળવાની છું.” એ વધુ ન બોલી શકી. એનું ગળું રૂંધાઈ ગયું.

“ચારણી ! એ ગામતરાનાં પરિયાણ કાંઈ રોતાં રોતાં થતાં હશે ?” જેઠાએ કરમાબાઈને માથે હાથ મૂક્યો.

“લ્યો, નહિ રોઉં, હો ! હસીને હારે હાલીશ. પણ સદાય એ હાથને મારે માથે જ રાખ્યે આવજો.” એટલું બોલીને ચારણીએ આંખો લૂછી નાખી.

બેય જણાંએ રૂપિયા ગણી જોયા. પટારામાંથી જેની જેની થાપણ હતી તેને તેને બેલાવીને ચૂકવી દીધી.

થાપણવાળા કહે : “ જેઠાભાઈ ! અમારે ઉતાવળ નથી.”

“અરે ભાઈ ! ઉતાવળ તો મારે છે. લાંબી જાત્રાએ જાવું છે.”

શનિવારે બેય જણાં નિર્જળ અગિયારસ રહ્યાં. આખો