પૃષ્ઠ:Rasdhar 3 C.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની ૨સધા૨: ૩

૨૧૮

દિવસ રામાયણ વાંચી ને સ્તોત્ર ગાયાં. રાતેય રામાયણ ચાલુ રહી. ભાઈ અને ભાભીએ પણ બેઠાં બેઠાં સાંભળ્યાં કર્યું. થોડી વારે ભાઈ ઊઠીને સૂવા ચાલ્યા ગયા. અધરાત થઈ એટલે ભાભીએ કહ્યું : “જેઠા, હવે તો સૂઈએ.”

"બે'ન ! તમે તમારે સૂઈ જાએા. અમારે હજી એક અધ્યાય વાંચવો છે, પછી અમેય સૂઈ જાશું.”

ભાઈ-ભોજાઈ ભરનીંદરમાં પડ્યાં છે. ગામમાં કૂતરું પણ જાગતું નથી. અંતરીક્ષમાંથી જેઠાને જાણે કે હરિ હાકલ કરે છે. બેય જણાંએ પૂજાપાનો સામાન ભેળો કર્યો : ચોખા, પાંચ સોપારી, ગોપીચંદન, ઘીની વાટકી, બે કોડિયાં, દીવાસળીની ડાબલી, આકડાનાં ફૂલ, બે કળશિયા અને એક તલવાર.

વર-વહુએ સ્નાન કર્યાં. માથામાં તેલ નાખ્યાં. એકબીજાના વાળ ઓળ્યા. કોરાં રૂપાળાં લુગડાં પહેર્યા. આંખેામાં આંજણ આંજ્યાં. પૂજાનો સામાન લઈને ઘરની બહાર નીકળ્યાં. તાળું વાસ્યું, કૂંચી ટોડલે મૂકી, અગિયારસની અંધારી રાતે બરાબર એક વાગ્યે, ગામની બહાર, રેણુકા નદીને સામે કાંઠે રામેશ્વર મહાદેવને મંદિરે બેય જણાં ધીરે પગલે આવી પહોંચ્યાં – જાણે માહ્યરામાં પરણવા આવ્યાં.

પૂજાપાનો સામાન શિવાલયને ઓટલે મૂક્યો. સ્નાન કરવા માટે એક જ પોતિયું સાથે લીધું હતું. એટલે અકેક જણ પોતિયું પહેરીને નદીમાં નાહવા ગયું. પ્રથમ કરમાબાઈ નાહી આવ્યાં; એટલે એ ભીનું પોતિયું પહેરીને જેઠો નદીએ ગયો. નાહીને આવ્યો ત્યાં તો ઘીના બે દીવા કરીને બાઈએ તૈયાર રાખ્યા હતા. ચોખાની ઢગલી પણ કરી વાળી. ગોપીચંદન ઘસીને બેય જણાંએ શિવલિંગ પર તિલક કર્યું. પાર્વતીજીને પણ તિલક કર્યું. પોતે બેય જણાંએ પણ