પૃષ્ઠ:Rasdhar 3 C.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૯

પિંજરાનાં પંખી

સામસામાં કપાળને સ્પર્શ કરી તિલક કાઢ્યાં. પડખોપડખ બેસીને રામાયણનાં પાનાં વાચ્યાં પછી જેઠાએ કહ્યું : “ત્યારે હવે ?"

“બીજું શું ? હું તો તૈયાર છું.” ચારણી મરકતી મરકતી બોલી. મોંમાં વેણ જરાય ધ્રૂજ્યાં નહિ.

“મનમાં કાંઈ રહી જાય છે ? જોજે હો, પ્રેત બનીને પીડાવું પડશે.”

“મનમાં બીજું શું રહે ? મનમાં રહેનાર તો મારી સાથે જ છે.”

જેઠાએ તલવાર કાઢી, ફરી વાર પૂછ્યું : “બીક લાગે છે ?"

“તમારા પડખામાં બીક લાગે ? હવે શું પૂછ્યા કરો છો ? કરો ને ઘા.” એમ કહીને એણે માથું ધરતી ઉપર ટેકવ્યું.

“ના, ના, મારે હાથે નહિ. હું સ્ત્રીહત્યા કરું તો શંકર મને સંઘરે નહિ.”

“ત્યારે ?”

“આ લે તલવાર ! તારે હાથે તારું પતાવ્ય.”

“કેમ બનશે ? અબળા...”

“અબળા મટ્યા વિના એ માર્ગે હીંડાશે કાંઈ ?”

"સાચું કહ્યું.”

એટલું બોલીને એણે એાઢણાની ગાતરી ભીડી; સામે આંખો ઉઘાડીને બેઠેલી પાર્વતીની પ્રતિમાને હાથ જોડી બોલી : “માડી ! ખેાળે લેજે.” પછી મહાદેવજીની પાસે બે હાથે ગરદન ઉપર હાથમાં જોર હતું એટલી ભીંસ દીધી. પણ આખરે એનાથી બેસાયું નહિ, લાંબી થઈને ઊંધી પડી ગઈ. એના ગળાનો નળગોટો અરધો જ કપાણો.