પૃષ્ઠ:Rasdhar 3 C.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની ૨સધા૨: ૩

૨૨૦


જેઠા મોવડે ॐકારનાં ગુંજન આદર્યા. દેવળ પડછંદા દેવા માંડ્યું. ચારણીના લોહીના ખોબા ભરીભરીને પાર્વતીજી ઉપર છાંટ્યા. ચારણી પોતાના ભરથારના મુખમાંથી ગાજતા ॐકારને સાંભળતી શિવને શરણે ચાલી ગઈ.

જેઠાએ કહ્યું : “હું આવું છું હો કે ! આ આવ્યો.”

જેઠાએ ફરી વાર રામાયણ વાંચી. પાઘડી ઉતારીને પડખે મૂકી. મહાદેવજીની જોડમાં વીરાસન વાળ્યું. જમણા હાથમાં તલવારની મૂઠ ઝાલી, ડાબે હાથે લૂગડા વતી પીંછી પકડી.

“લેજે દાદા ! આ મારી પૂજા ”– એમ કહીને એણે ગળા સાથે તલવારની ભીંસ દીધી. તલવારને એક જ ઘસરકે માથું મહાદેવને માથે જઈ પડ્યું. ધડ બેહોશ થઈને શિવલિંગ પર ઢળી ગયું. પણ વીરાસન ન છૂટ્યું, તલવાર પણ એમની એમ હાથમાં ઝાલેલી રહી. પંખીડાંની જોડલી ધરતીને પિંજરેથી ઊડીને એ રીતે ચાલી ગઈ.

રાણાગામના જ એક રહીશની સાક્ષી વાંચીએ :

“અષાઢ વદ બારસ, રવિવારે સવારે મને ખબર મળ્યા કે રાણોસરમાં સ્ત્રી-પુરુષ મરેલાં પડ્યાં છે. હું ત્યાં ગયો. શિવલિંગની પાસે જ બે સ્ત્રી-પુરુષ મરેલાં દીઠાં. શિવલિંગની બાજુમાં ભીની પછેડી પડી હતી તેથી લાગ્યું કે બન્ને જણાં નદીમાં એક્ પોતિયે નાહ્યાં હશે; બે જુદેજુદે કળશિયેથી મહાદેવને નવરાવ્યા હશે; પોતાના કપાળે તથા મહાદેવને ગોપીચંદન લગાડેલ હશે. લિંગની પાસે ફૂલો પડ્યાં હતાં. બે માણસો એ બે કોડિયાંમાં ઘીના દીવા પ્રગટાવ્યા હશે એમ લાગ્યું. મંદિરના બારણા પાસે સોપારી પડી હતી, ચોખાની ઢગલી પડી હતી તેમાંથી પેન્સિલે લખેલો કાગળ નીકળ્યો. એમાં લખ્યું હતું કે, “આ કામ અમે રાજીખુશીથી કર્યું છે. અમને માફ કરજો. મારી પચાસ ભેંસોમાંથી એક ભેંસ મારી બહેનને દેજો અને ફળીમાં ખાણું છે તેમાંથી જારનાં ગાડાં દેજો.”