પૃષ્ઠ:Rasdhar 3 C.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૧

પિંજરાનાં પંખી


“કરમાબાઈ ઊંધી લાંબી પડી હતી. તેના પગ બારણા પાસે ને માથું પાર્વતીજી પાસે હોવાથી લાગ્યું કે એ મહાદેવની સામા ઊભા રહીને ગળામાં તલવાર નાખી પોતાને હાથે મરી હશે. એના હાથ સાફ હતા, પણ જેઠાના હાથ લોહીથી તરબોળ હતા. મહાદેવજી ઉપર ને પાર્વતીજી ઉપર લોહીનાં છાંટણાં હતાં તેથી લાગે છે કે કરમાબાઈના લોહીમાંથી ખોબા ભરીને જેઠાએ શિવપાર્વતી ઉપર અભિષેક કર્યો હશે. કરમાબાઈનો નળગોટો (ડોકું) અરધોક જ કપાયેલ હોવાથી પોતે પોતાના હાથે જ કમળપૂજા ખાધી હશે.

“જેઠાએ પોતાની પાઘડી ઉતારીને ખુલ્લે હાથે મહાદેવની જોડમાં વીરાસન વાળી તલવારથી પોતાનું માથું કાપ્યું હશે. બેઠેલો હોવાથી બેશુદ્ધ થયા પછી ગોઠણભેર ઊંધો પડી ગયો હશે. આખર સુધી તલવારની મૂઠ જમણા હાથમાં હતી અને ડાબા હાથમાં લૂગડા વતી પીંછી પકડેલી હતી. તલવારની મૂઠ તેમ જ પીછી તરફનો ભાગ લોહી વગરનો હતો. વચલો ભાગ લોહીથી તરબોળ હતો, તેથી લાગ્યું કે તલવારને બહુ વખત ચાંપીને જ કામ પતાવ્યું હશે.

“મંદિરની બાજુમાં એ બેયની એક ચિતા ખડકી નાળિયેર, તલ તથા ઘીની આહુતિઓ આપી દહનક્રિયા કરવામાં આવી, તે સ્થળે આ યુગલની દેરી ચણી છે, આજ ત્યાં માનતા ચાલે છે.”

*

આ વીરબેલડીનાં ગીત ગાનાર એક ચારણ નીકળ્યો. એ ચારણનું નામ દેવાણંદ ભગત. તંબૂરો લઈને એણે આ દંપતીનાં ભજન ગાયાં છે. બારાડીમાં એ ભજન ગળતે સાદે ઘરેઘરમાં ગવાય છે. કાવ્યદૃષ્ટિએ તો ભજનો નજીવાં છે.

[૧]
એ હાલો હાલો સતી આપણે દેવળે જાયેં,
વે'લા વે'લા વૈકુંઠમાં જઈ વાસ કરીએ. – એ હાલો હાલો૦
હે સતી, જેઠો મોવડ કે' મને સપનું લાધ્યું,
જાણે કૃષ્ણજી આવીને ઊભા પાસે,
શંકરને ચરણે જઈને શીશ ધરીએં,
આવાગમન મટી જાશે રે, – એ હાલો હાલો૦