પૃષ્ઠ:Rasdhar 3 C.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬
કાનિયો ઝાંપડો

હારાજને આથમવાનું ટાણું થતું હતું. તે વખતે સીમમાંથી રખોલિયાએ હાંફતાં હાંફતાં આવી સુદામડા ગામે વાવડ દીધા કે સીમાડે ખેપટ ઊડતી આવે છે. માળિયાના મિયાણાનું પાળ એકસામટી સો સો બંદૂકો સાથે સુદામડા ભાંગવા ચાલ્યું આવે છે.

સાંભળીને દરબાર શાદૂળ ખવડના માથામાં ચસકો નીકળી ગયો. આજ એને પોતાની આબરૂ ધૂળ મળવાનું ટાણું આવ્યું લાગ્યું. એના તમામ કાઠીઓ ગામતરે ગયા હતા. ગામમાં ઘરડાં-બુઢ્ઢા વિના કોઈ લડનારો ન મળે. હથિયાર હતાં નહિ, તેમ હથિયાર બાંધી જાણે તેવી વસ્તીયે નહોતી. ઘડીક વાર તો લમણે હાથ દઈને શાદૂળ ખવડ બેસી રહ્યા.

'પાળ આવે છે ! મિયાણાનું મોટું પાળ આવે છે !' એવા પોકાર આખા સુદામડામાં પડી ગયો, અને એ પોકાર સાંભળ્યા ભેળા તો લોકો ઘરમાંથી ધમાકા દેતાં બહાર આવ્યાં. કાઠિયાણીઓ સાંબેલાં લઈ લઈને ઉંબરે ઊભી રહી. છોકરાં તો પા'ણાની ઢગલી કરી શત્રુઓની સામે ધીંગાણું મચાવવા ટોળે વળ્યાં.

કોઈએ કહ્યું કે, “બાપુ મૂંઝાઈને બેઠા છે : હથિયાર નથી, માણસ નથી, ગામ લૂંટાશે. બાઈયુંને માથે તરકડાઓના હાથ પડશે. એટલે બાપુ તલવાર ખાઈને મરશે !”

“અરે માર્યા ! માર્યા ! અમે શું ચૂડિયું પે'રી છે ?”

નાનાં નાનાં ટાબરિયાં અને ખોખડધજ બુઢ્ઢા બોલી ઉઠ્યાં.

૧૬૭