પૃષ્ઠ:Rasdhar 3 C.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર : ૩

૧૬૮


“અને અમે ચૂડલિયુંની પે'રનારિયું શું તાણી કાઢેલ છીએ તે એમ અમારે માથે પારકા હાથ પડવા દેશું ? અમારો ચૂડલો જેને માથે ઝીંકશું એની ખોપરીનાં કાચલાં નહિ ઊડી જાય ? જાવ, બાપુ પાસે, અને એને હરમત આપો. ”

વસ્તીના જે દસ-વીસ માણસો હતા તે શાદૂળ ખવડની ડેલીએ ગયા; જઈને હોંકારા કરી ઊઠ્યા કે, “એ આપા શાદ્દળ ! એલા શાદૂળો થઈને આમ ક્યારનો વિચાર શું કરછ ? અમારાં ખોળિયામાં પ્રાણ છે ત્યાં સુધી બાપડા મિયાણા શું સુદામડાનો ઝાંપો વળોટી શકે ? અરે, હથિયાર બાંધ્ય. તારા ગામની બાયડિયું કછોટા વાળીને ઊભી થઈ ગઈ છે."

ત્યાં એક વાઘરણ બોલી : “અરે બાપ શાદૂળ ખવડ ! અમે બધાંય તો સુદામડાનાં ધણી છયેં. તે દી લાખા કરપડાએ નીંભણી નદીને કાંઠે ગામ બધાંને શું નહોતું કહ્યું કે, 'સુદામડા તો સમે માથે !' તે દીથી આખી વસ્તી ગામની સરખી ભાગીદાર થઈ છે. તારી ડેલી અને અમારા કૂબા વચ્ચે ફરક નથી રહ્યો. સુદામડાને માથે માથાં જાય તોય શું ? ધણી છૈંયેં !”

'હા ! હા ! અમે બધાં સુદામડાનાં સરખે ભાગે ધણી છીએ.' – એમ આખી વસ્તી ગરજી ઊઠી.

સંવત ૧૮૦૬ની અંદર આખું ગામ એક શત્રુ સામે લડ્યું હતું. તે દિવસ થી જ 'સમે માથે સુદામડા' ના કરાર થયેલા. એટલે કે આખી વસ્તીને સરખે ભાગે ગામની જમીનની વહેંચણી થઈ હતી તે વાત ગામની વાઘરણ પણ નહોતી વીસરી.

એક ઝાંપડો પણ એ વખતે ત્યાં ઊભો હતો. 'એલા, છેટો રે'! છેટો રે !' એમ સહુ એને હુડકારતાં હતાં, ત્યાં તો