પૃષ્ઠ:Rashtrika - Gu - By Ardeshar Khabardar - 1940.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
અંજલિ ગીતો
૧૦૫
 


તૂટ્યા તૂટ્યા સૂર રહી ગયા તે વેણુના;
ખળકો ચાલ્યો દૂર, બાળ અદૃશ્ય થઈ ગયો ! ૧૯


(ઉપજાતિ)

અંધાર આકાશ વિષે તણાયો,

અને કડાકો ઝટ સંભળાયો,
ને વીજળી ત્યાં પડી વ્યોમ ચીરી :
દેવી ઊઠી ત્યાં ચમકી અધીરી ! ૨૦

દેખાય ના બાળક તે કિનારે,
ના વેણુના સૂર સુણાય ત્યાં રે !
ધસી ફુંફાડે ઝરણું વહે છે,
રે સ્તબ્ધ ત્યાં દેવી થઈ રહે છે ! ૨૧

અને પડી ત્યાં વીજળી ફરીથી,
તે વાટિકાને ચમકાવી દીધી;
ને દેવીએ દૂર પડેલી દીઠી
તે મોરલી અદ્‍ભૂત, ભવ્ય, મીઠી ! ૨૨

સ્નેહે લઈ વેણુ કરે ઉપાડી,
દાબી ચૂમી તે હૃદયે લગાડી,
દેવી રડે ત્યાં અતિ શોક ઊંડે :
વસંત એ અશ્રુપ્રવાહ બૂડે ! — ૨૩