પૃષ્ઠ:Rashtrika - Gu - By Ardeshar Khabardar - 1940.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
અંજલિ ગીતો
૧૧૯
 


કલાપીની જયંતી


રાગ આશાવરી-ત્રિતાલ

ક્યાં ગયો કલાપી રાજવી ગુર્જરજનનો ઉરચોર ?
ક્યાં સરસ્વતીનો લાડીલો તે ઊડી ગયો કવિમોર ?

વનવનનાં પંખી જાગ્યાં, જનમનમાં શર કંઇ વાગ્યાં :
તનતનમાં નવરસ પૂરતા કોણે ઉગવ્યા અંકોર ?
ક્યાં ગયો કલાપી. ૧

મીઠીમધ રસભર વાણી, પદપદ દે મનહર લહાણી :
કોણે મદભર સ્વરનૃત્યથી ગજવ્યું અંબર ઘનઘોર ?
ક્યાં ગયો કલાપી. ૨

હૈયાનાં વેદન લાખો, અમીઝરણ વહી તુજ આંખો :
વીંધી અમ ઉર ટહુકાથકી ક્યાં કરે હવે કલશોર ?
ક્યાં ગયો કલાપી. ૩

જુગજુગનો સ્નેહલ જોગી, જુગજુગનો આતમભોગી :
ઉરઉરની પ્રેમકથા કરી ક્યાં લઈ ગયો ઉરદોર ?
ક્યાં ગયો કલાપી. ૪

અમૃતનાં વિષ તેં ચાખ્યાં, વિષને અમી કરી તેં રાખ્યાં :
ગુર્જર‌ઉર નવ કદી ભૂલશે તુજ કવન અદ્દલ કંઇ ઑર !
ક્યાં ગયો કલાપી. ૫