પૃષ્ઠ:Rashtrika - Gu - By Ardeshar Khabardar - 1940.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૫૮
રાષ્ટ્રિકા
 


ધર્મધજા માતાની આ આભે ફરી ઊડી રહી,
ક્હાનાની બંસરી ફરી બાજે હો જી :
ગામોગામના હો તમે આવો રે ગોવાળિયાઓ,
માતાના મોંઘેરા ઓચ્છવ કાજે હો જી ! ૪

નંદનવનમાં આજે પાછાં રાધાજી રમવાને આવે,
ધેનું દોહી દૂધ તાજાં પાશે હો જી;
ગોપ અને ગોપીઓના રાસ કૈં રચાશે નવા,
ક્હાનુડો નવેલી બંસી વાશે હો જી ! ૫

રામમોહને દયાનંદે સ્મરાવ્યા ભૂલેલા સૂરો,
દાદા ઉઘાડી ઢાંકી આંખો હો જી;
બેઝંટે ટિળકે મહમદઅલીએ ખોલાવ્યાં મુખો,
ગાંધીએ ઉડાવી પ્રાણપાંખો હો જી ! ૬

એક પછી એક પીધા ઝેરના કટોરા ઝાઝા,
ઝેરમાંથી અમૃત નિચોવ્યાં હો જી;
આજે તો આઝાદી કેરાં રણશિંગા ફૂંક્યાં બધે,
પ્રાણે પ્રાણે સેવાવ્રત પરોવ્યાં હો જી. ૭

વહાણેલાં વાયાં છે તોય સૂરજ નથી રે ઊગ્યા,
હજી છે દિગંતે વાદળ ઘાડાં હો જી,
પાંખે પાંખ પ્રાણે પ્રાણ મેળવી ઘસો સૌ સાથે,
વિખેરી દ્યો વાદળ પડ્યાં આડા હો જી ! ૮

સંતોએ વીરોએ તાપ તાપ્યાં છે હજારો, તોયે
હજી યે ન થયાં પ્રાછત પૂરા હો જી :
ભરો રે ભાંડુડા ! હજી ખપ્પર એ કાળકેરાં,
સતની રે કઢાએ પડો શૂરાં હો જી ! ૯