પૃષ્ઠ:Rashtrika - Gu - By Ardeshar Khabardar - 1940.pdf/૧૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રોત્સાહનનાં ગીતો
૧૬૫
 




દેવીનાં નવચેતન


• ગરબી - સોરઠ *[૧]

દેવી ! દીસે શાં નવચેતન તારી આંખમાં રે !
તારી આંખમાં રે,
પાછું ઝાંખ મા રે !
દેવી ! દીસે.

મોહનની નવબંસી બોલે,
જુગજુગનાં પડળો કંઈ ખોલે;
અંતર ઝોલે ચઢતાં નવ અભિલાખમાં રે:
પાછું ઝાંખ મા રે !
દેવી ! દીસે. ૧

ભ્રુગુટીનાં તપચાપ ચઢાવે,
નયન નયન શર શૂર ઉડાવે;
જ્યોતિ અનેરી લાવે જખની સાખમાં રે:
પાછું ઝાંખ મા રે !
દેવી ! દીસે. ૨

ઉરસંયમના અંજન કીધાં,
સત્ય સનાતન વ્રત મન લીધાં;
મૃત્યુ તણાં અમી પીધાં લોટી ખાખમાં રે !
પાછું ઝાંખ મા રે !
દેવી ! દીસે. ૩


  1. *"કામણ દીસે છે અલબેલા તારી આંખમાં રે" - એ ચાલ.