પૃષ્ઠ:Rashtrika - Gu - By Ardeshar Khabardar - 1940.pdf/૧૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૭૮
રાષ્ટ્રિકા
 


પડ્યા મોખરે વીર ઘવાઈ, એ તો ધન્ય વધાઈ,
આવી એ તો ધન્ય વધાઈ ;
મૂછે હાથ દઈ ઠેકીને, ઝટ પૂરી દો ખાઈ !
બાબા ! એ જ ખરી સરસાઈ ! ૩

હું-તું કરતાં કાળ વહે ને ઝાળ વધે હીણપતની,
ચહુદિશ ઝાળ વધે હીણપતની ;
પાંચાલીનાં ચીર છૂટે ત્યાં આ શી રાઢ મમતની ?
બાબા ! રાખો પત ભારતની ! ૪

કીર્તિતણાં મુડદાં પડીને શું બળશે ઘોર મશાણે ?
ધગધગ બળશે ઘોર મશાણે ?
નહિ, નહિ : ભારત જીવે તે નહિ મરવાથકી આ ટાણે !
બાબા ! જીતો ધસી ધિંગાણે ! ૫

વાણીઝઘડા તે શા વીરને ? વીરના ઝઘડા રણમાં,
સાચા વીરના ઝઘડા રણમાં !
શેરમર્દ હો તો ઊછળીને ઝૂઝો સમરાંગણમાં !
બાબા ! શું ખપશો બીકણમાં ? ૬

હિંમત, દૃઢતા, સંયમ, નિશ્ચય : એ જ વીરની જ્યોતિ :
ઝળકે એ જ વીરની જ્યોતિ :
આશ રહે ન રહે પણ વીર ન આંખ બતાવે રોતી :
બાબા ! લાખ યુક્તિ લે ગોતી ! ૭