પૃષ્ઠ:Rashtrika - Gu - By Ardeshar Khabardar - 1940.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
રાષ્ટ્રિકા
 


અમારી ગુજરાત*[૧]


• રાગ પીલુ. •


કોણ કહેશે, નથી આ અમારી ગુજરાત ?
અમારી ગુજરાત હો જીવનની મહોલાત :
કોણ કહેશે, નથી આ અમારી ગુજરાત ? -

પગલે પગલે જ્યાં મોતી વેરાયાં,
સ્નેહે ધૂમે માતજાયાં સજાત :
કોણ કહેશે, નથી આ અમારી ગુજરાત ? ૧

નવ ખંડ ગાજે ચેતન અવાજે,
લહાવો લેવો એ તો આજે ઉદાત્ત :
કોણ કહેશે, નથી આ અમારી ગુજરાત ? ૨

આત્માને ભોગે જોગ જમાવશું,
માને મંદિર અમ પ્રાણની બિછાત !
કોણ કહેશે, નથી આ અમારી ગુજરાત ? ૩

જઇશું જગતને ચારે ખૂણાએ,
ગુજરાત અમારી, ગુજરાતી અમ જાત :
કોણ કહેશે, નથી આ અમારી ગુજરાત ? ૪


  1. *“નાહીંં બનશેજી પ્રીતિના મોતીનું મૂલ”, એ ચાલ.