પૃષ્ઠ:Rashtrika - Gu - By Ardeshar Khabardar - 1940.pdf/૨૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સંગ્રામનાં ગીતો
૨૧૭
 


થંભો, થંભો ! અરિ વરસાવે આભ થકી અંગારા :
બળતી લાહ્ય ન એ પિગળાવે અંતર હિમના ભારા :
જયજય ભારતે હો !

હો વીરા ! વીજળી સમ પડતી શીશ તડોતડ લાઠી :
એ લાઠી જ થશે આખર તો ભારતધ્વજની કાઠી !
જયજય ભારતે હો !

બળબળતી લૂ વરસે શિર કે મેઘ જ મૂશળધારે :
ધન્ય સહનતા ક્ષમા ધરાની ભારતજન સંસ્કારે !
જયજય ભારતે હો !

મરવું છે જીવવાને માટે, લડવું છે ફરી ચહાવા :
સ્નેહ ક્ષમા છે માનવ કેરી માનવતા જ ગણાવા :
જયજય ભારતે હો !

વિશ્વ સકળ ઝબકારી રહી આ ભારતયજ્ઞની જ્વાળા :
જયો જયો ! ભડ અદલ વીરો ! હો ભારતયશ રખવાળા !
જયજય ભારતે હો !