પૃષ્ઠ:Rashtrika - Gu - By Ardeshar Khabardar - 1940.pdf/૨૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સંગ્રામનાં ગીતો
૨૧૯
 


અમર પિતરનાં સાહસ સ્મરતા સમર ગજાવે શૂરા ;
હિંદુ, પારસી, ખ્રિસ્તી, મુસલમિન, પ્રૌઢ પ્રતાપી પૂરા :
આપણ સહુ ગુજરાતી,
ગજગજ ખીલે છાતી,
મારો આભ ઉછાળો :
ગર્જનથી ઘન સમ રણ ભરવા ગુર્જરજન સહુ ચાલો !—જ્યો જી !

તગતગતી અસિધારે હો કે ધગધગતા અંગારા,
આજ વતનની લાજ જતનથી રાખે રાખણહારા :
નહિ તો અહીં શું રહેશે ?
રે પ્રભુ તો શું કહેશે ?—
નહિ, નહિ;-ભય શો ઠાલો ?
રણરણ તમ જયધ્વજ ફરફરવા ગુર્જરજન સહુ ચાલો !--જ્યો જી !

મૃત તનનું અમૃત શૂરાતન કોણ રગેરગ ભરશે ?
કોણ વિજયની કીર્તિ સાથે અદલબદલ શિર કરશે ?
જો ભારત જીવે તો
કોણ મરે શિર દેતો ?
ધન્ય બની જગ મહાલો;
તનમનધન તમ અર્પણ કરવા ગુર્જરજન સહુ ચાલો !—
જ્યો જી ! જ્યો જી ! જ્યો જી !
જ્યો જ્યો જ્યો જ્યો જી !