પૃષ્ઠ:Rashtrika - Gu - By Ardeshar Khabardar - 1940.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૪
રાષ્ટ્રિકા
 



પુર વન તુજ રઢિયાળાં,
તારાં સરવર નદ ને નાળાં,
લીલાલહેરે નિત્યવસંતભર્યાં તુજ ખેતર સૌ હરિયાળાં .
કુંજે કુંજ રહે તુજ ઝૂલી પુણ્યપ્રભાવ સમી ચોમેર ,
ગિરિગહવરમાં તારા કેસરિયા ભડ ઘૂમતા ગર્જનભેર ;
તારા યશમંદિરનો નભટોચે શો પૂગે ઘુમ્મટઘેર !
હો મુજ ગુણગરવી ગુજ્રાત !


શો મહિમા જ્યવંતો !
તારા ધર્મધુરંધર સંતો ;
તારા અમર સમરવીરો સુભટો ને રણશૂરા સામંતો .
તારાં કોયલ પોપટ મેના વન ઉપવનના ખોલે પ્રાણ ,
તારા કવિગણની મધુરી રસઝરતી કાળયશત્વી વાણ ;
તારે આંગણ સાગર ગરજે, તારે દ્વારે જગકલ્યાણ :
હો મુજ ગુણગરવી ગુજ્રાત !


કોણ કરે તુજ જેવું ?
અમને ભવભવનું તુજ દેવું ;
તારો પાડ નહીં પૂરાય કદી જીવન લાખે પણ એવું .
તારા વ્યોમવિશાળ હ્યદયમાં સર્વ સમાયાં તારે સ્નેહ ,
ભૂખ્યાં દુખિયાં દેશતજ્યાં બાળક સૌ પોષયાં તુજ દેહ ;
તારે મુખ શાં પુણ્ય પ્રકાશે, તારી આંખે અમ્રુતમેહ !
હો મુજ ગુણગરવી ગુજ્રાત !