પૃષ્ઠ:Rashtrika - Gu - By Ardeshar Khabardar - 1940.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ગુજરાતનાં ગીતો
૧૯
 


ગુજરાતની લીલા


ધોળ* [૧]


એ ટાણે ગુજરાતે રહેવું કેવું છે રુડું !
જ્યારે નવરાત્રીમાં ગરબા રોજ ગવાય ,
જ્યારે ગુર્જરસુંદરીનાં પરીઅંગો ડોલતાં
સ્વર્ગ ઉતારી દે ઠમકે તાળીમાં ત્યાંય !
એ ટાણે ગુજરાતે રહેવું કેવું છે રૂડું ! ૧

વર્ષા ઊતરે ને જ્યાં આવે શરદ સુહામણી ,
ભરભર છલકે સરવર ને સરિતાનાં નીર ;
છલકી રહી ત્યાં નવઉલ્લાસે ને નવનૂરમાં
રસરમણે ઝીલવા ગુર્જરીઉર થાય અધીર !
એ ટાણે ગુજરાતે રહેવું કેવું છે રૂડું ! ૨

આંગણ આંગણ રમઝટ જામી રહે ગરબાતણી ,
નક્ષત્રોશી ફુદડી ફરતી સહિયર સર્વ ;
સુંદર સોહાગે ભવશોભન ગુર્જર સુંદરી
ગુલપગલે ગરબા લેતી ગજવે રસપર્વ !
એ ટાણે ગુજરાતે રહેવું કેવું છે રૂડું ! ૩


  1. *“માતા જશોદા ઝૂલાવે પુત્ર પારણે,” —એ રાહ.