પૃષ્ઠ:Rashtrika - Gu - By Ardeshar Khabardar - 1940.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૨
રાષ્ટ્રિકા
 


હો ગુજરાત ! હો ગુજરાત !


વીરવિજય છંદ. [૧]


જયજય મારા ગુર્જર વીરો !
આવો રંક ફકીર અમીરો ! આજે દિન ઊગ્યો રળિયાત ;
ધોધ પ્રકાશતણા ઝીલીને ઝગમગતી કરવી મહોલાત :
હો ગુજરાત ! હો ગુજરાત ! ૧

આજે લેશો શું તમ સાથે ?
શૌર્ય વસે હ્રદયે કે બાથે ? --તેજ છતાં બુઠ્ઠી તરવાર ;
ફેંકી દો સહુ બુઠ્ઠાંં શસ્ત્રો, સજો હ્રદયનાં નવહથિયાર !
હો ગુજરાત ! હો ગુજરાત ! ૨

હોય વિલંબ હવે શો ઠાલો ?
ધપતા ધપતા આગળ ચાલો : અગ્ર રહી ઘૂમવું છે આજ ;
ધજા રહી છે આ તમ કરમાં, ને ભારતની અમુલખ લાજ !
હો ગુજરાત ! હો ગુજરાત ! ૩


  1. આ છંદની નવીન રચના વીરરસને અનુકૂળ આવે તેવી રિતે કીધી છે. ચરણાકુળ અને ચોપાઇનાં ચરણો મેળવતાં સવૈયા એકત્રીશા છે. આ નવીન છંદનું પહેલું ચરણ ચરણાકુળનું, બીજું અને ત્રીજું ચરણ સવૈયાનું તથા ચોથું ચરણ ઉધોરનું છે. એવી રીતે એક જ વર્ગના છંદોનો મેળ આ છંદમાં સ્વાભાવિકપણે થયેલો છે.