પૃષ્ઠ:Rashtrika - Gu - By Ardeshar Khabardar - 1940.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૪
રાષ્ટ્રિકા
 


કોણ વિકટ પથ કહી ડરાવે ?
પર્વતપરથી કૂદી હાવે સાગરને બાંધીશું બાથ ;
જંગલ તોડી મંગલ કરશું, ગંગ વહાવી દઈશું હાથ !
હો ગુજરાત ! હો ગુજરાત ! ૯

આપણ ગુણગરવા ગુજરાતી !
ક્રુષ્ણધરા અદ્ભુત મદમાતી, ભારતયુદ્ધ જીતે ભડવીર ;
સાહસ, શૌર્ય, અડગ શ્રમથી જે થળથળમાં ગાજે રણધીર ;
હો ગુજરાત ! હો ગુજરાત ! ૧૦

આવો નવરસના રઢિયાળા !
ગિરિગહ્‌વરમાં ભરી ઉછાળા કેસરિયાશું રમતા બાળ !
વાઘમૂછ પકડીને ફરતા કાઢી ઘોડીના રખવાળ !
હો ગુજરાત ! હો ગુજરાત ! ૧૧

તીર્થે તીર્થે શુચિતા સ્થાપી :
ગરવી સાબરમતી ને તાપી, ભરે નર્મદા નવનવ નૂર ;
ગુણી ગોમતી, સરસ્વતી ને દંમણગંગાનું જળ શૂર !
હો ગુજરાત ! હો ગુજરાત ! ૧૨

છે અદ્ભુતતા એ કંઇ જુદી !
પશ્ચિમસાગરનાં જળ કૂદી ઊછળી ગગન કસે નિજ જોમ ;
વિંધ્ય અને ગિરનાર દિશા બે ઊભી ઝીલે પડતું વ્યોમ !
હો ગુજરાત ! હો ગુજરાત ! ૧૩