પૃષ્ઠ:Rashtrika - Gu - By Ardeshar Khabardar - 1940.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૨
રાષ્ટ્રિકા
 


સદાકાલ ગુજરાત [૧]


રાગ : આસાવરી-લાવણી

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત !
જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત.
ઉત્તર દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ,
જ્યાં ગુર્જરના વાસ;
સૂર્ય તણાં કિરણો દોડે ત્યાં
સૂર્ય તણો જ પ્રકાશ:
જેની ઉષા હસે હેલાતી, તેનાં તેજ પ્રફુલ્લ પ્રભાત !
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત !


ગુર્જર વાણી, ગુર્જર લહાણી,
ગુર્જર શાણી રીત:
જંગલમાં પણ મંગલ કરતી
ગુર્જર ઉદ્યમપ્રીત :
જેને ઉર ગુજરાત હુલાતી તેને સુરવન તુલ્ય મિરાત :
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત !


  1. ✽સને ૧૯૨૬માં ભરાયેલી 'ગુજરાતી સાહિત્ય પરિષદ્' ટાંકણે લખાયેલું અને ગવાયેલું.