પૃષ્ઠ:Rashtrika - Gu - By Ardeshar Khabardar - 1940.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


ખેલાયા હતા અને સ્વપ્નાં સેવાયાં હતાં, તે વતન—ને પ્રાણપ્રિય મોંઘા વતનને આપણે કેમ ભૂલી શકીએ કે તેની સેવાની ઘડીએ કેવી રીતે પાછીપાની કરીએ? ગમે તેવા દૂરના દેશોમાં પણ એ કેવળ અજાણ્યા પણ હમવતનીઓ અચાનક મળી જાય તેવી વેળાએ એ વતનપ્રેમ કેવા ઊભરી નીકળે છે, તે તો જેને અનુભવ મળ્યા હોય તેજ જાણે. વતનના સ્મરણનું એવું મહા આકર્ષણ છે. એ વતનપ્રેમ માનવજાતિના ઉત્કર્ષમાં ને તેની પ્રગતિમાં મોટો ભાગ ભજવે છે.

અને સામાન્ય વ્યવહારુ માણસને આ વતનપ્રેમ અદ્‌ભુત અને શૌર્ય ભર્યાં કાર્યો કરવા પ્રેરી શકે, તો કવિ જે ભાવ અને પ્રેમનો અમીરી ભડાર છે, તે કેવી રીતે એ વતનપ્રેમના ગાઢ ભાવને દાબી કે અવગણી શકે? જે પોતાના હજારો કે લાખો વતનબંધુઓના અનેક ભાવોને પોતાની કલ્પનામય વાણીના રસમાં બોળીને વ્યક્ત કરે છે અને એ જનબંધુઓની પોતે જાણે જીભ બને છે, તે કવિ શું પોતાના વતનપ્રેમને વાણીમાં અવકાશ આપતાં કોઇની પણુ શેહમાં દબાઈ શકશે? જે ટીકાકારો પોતાના અજ્ઞાનથી, દેખાદેખીથી કે કોઇ સ્વાર્થને લીધે એમ કહેવા નીકળે કે ભક્તિની એટલે પ્રભુપ્રેમની અને રાષ્ટ્રપ્રેમની એટલે વતનપ્રેમની કવિતા તો નીચી કોટિની ગણાય, તેને કવિતાના વિષયની કશી ખબર જ નથી. કવિ તો ભાવ અને કલ્પનાનો અમીરી માલેક છે, તેને આવાં મિથ્યા વચનો ને અભિપ્રાયોથી કદી કોઈ સંકુચિત વર્તુલમાં બાંધી શકાય નહીં. કવિને ભંગડી પર કે ભીખારણ પર, જોડા પર કે ગોટલા પર, ધૂળ પર કે કાદવ પર સ્ફુરણા ઊઠે, ભાવ જામે અને તે કવિતા લખે તે કવિતા ગણાય, અને પ્રભુપ્રેમ પર કે વતન- પ્રેમ પર તેની કલ્પના જાગે ને ઊંડા ભાવની રેલ રેલાવે, અને તે રેલ તેના બંધુઓના હૃદયને પણ રસથી ને તીવ્ર ભાવથી ભરી દે, તે ‘કવિતા’ નહીં, અથવા તો તે નીચી કોટિની કવિતા કહેવાય, એવા અધમ અભિપ્રાયો અને મતમતાંતરો સાહિત્યની આનંદમય વાડીમાં ધૂળ જ ઉડાડે છે. કવિને તો એવા અધમ અભિપ્રાયો કોઇ રીતે નડતા નથી. તેની કૃતિની સાર્થકતા