પૃષ્ઠ:Rashtrika - Gu - By Ardeshar Khabardar - 1940.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૬
રાષ્ટ્રિકા
 

જેને જડીબુટ્ટી મળી કલ્યાણની,
જેણે ઘડી પૂરી મહત્તા પ્રાણની,
વનવન વિષે જે આથડ્યો,
અસુરશું નિર્ભય લડ્યો,
સત્યે જ જડતો વાત જે નિર્માણની:
માનવહ્રદયના રોગને ઝટ પારખી દે સાર તે,
એવા વસાણાં રાખનારો ગાંધી એક જ ભારતે !


ક્યાં શુદ્ધિ જોઈ ધર્મની,
મન, વચન ને કર્મની ?
ભારત ! ખરે
જુગજુગ ધરે
મોટાઇ એ તુજ મર્મની !
રાખ્યું હરિશ્ચંદ્રે અમોલું સત્ય જે,
ટેકી અડગ પ્રહ્‌લાદ કેરું કૃત્ય જે,
ભારતતણા ઇતિહાસમાં
છે રહ્યું ચિરવાસમાં,
એ સત્યની જુગજુગ બતાવી ગત્ય જે:
તે ના રહે ઢંકાઇ અહીં અજ્ઞાન કેરી આંધીએ;
કળિયુગ વિષે એ સત્ય તો રાખ્યું મહાત્મા ગાંધીએ !