પૃષ્ઠ:Rashtrika - Gu - By Ardeshar Khabardar - 1940.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
અંજલિ ગીતો
૮૮
 


આર્યભૂમિના આર્ય હો સાચા ! કાર્ય દીપે તુજ ગરવાં :
જગને જીવન દેવા શું લાગ્યાં જીવ્યાથી મીઠાં મરવા ?
અમર તું મરણે રે. ૫

તુજ શોણિતના બિંદુ બિંદુએ ઊઠશે વીર હજારો :
એક એક તુજ પ્રાણ ઝઝળતો ધગધગતો અંગારો !
અમર તું મરણે રે. ૬

તારી ચિતાના ભડભડ બળતાં ભારત સર્વ ઉજાળો !
દ્વેષ, કુસંપ ને કાયરતા સૌ એ જ ચિતામાં બાળો !
અમર તું મરણે રે. ૭

તારક તૂટો, રવિશશી ફૂટો, વિશ્વપ્રબંધ વછૂટો !
ધર્મ ને સત્યની શ્રદ્ધા ન ખૂટો, વીરનું પણ ના તૂટો !
અમર તું મરણે રે. ૮

તારા આ મૃત્યુના મૂક સંદેશા ઘરઘર ભારત ઝીલો !
વીરા ! તારી પુણ્ય કથા એ યુગયુગ શૌર્ય ખીલો !
અમર તું મરણે રે. ૯

અમર તું મરણે રે ધન્ય શ્રદ્ધાનંદ સ્વામી !
તુજ પુણ્ય સ્મરણે રે શીશ રહો અમ નામી !