પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

હરિ ભજનમાં પ્રતિકૂલ હોય, તેને ત્યજે દોષ ન કોય;
જનનિ જનક સુત ભ્રાત ભર્તા, ગુરુ આદિક કદિ હોય.
માતા ભરત, પ્રહ્લાદ પિતુ તજ્યો ઉગ્રસુત મતિવક્ર
બંધુ, વિભીષણ, કાંત, ઋષિપત્નિઓ, બલિ, ગુરુ શુક્ર.
તે પરમ પ્રિય પ્રમાણવા, જે ભજાવે ભગવંત;
શત્રુ સમ તે સમજવા પ્રભુથી ચળાવે ચંત.
ચુલમાં પડી ચતુરાઈ સૌ, અવગુણ સમજ ગુણ જેહ;
જન દયાપ્રીતમ કૃષ્ણ શું જો નથી સાચો સ્નેહ.

પદ ૬૭ મું

તેજસ્વી હોય સૂર્ય સમાનજી, ગણપતિ સરખો મહામતિ માનજી;
આનંદ શીતલ સમ ચંદ્રજી, વૈભોગી તો બીજો ઇંદ્રજી.
દ્રવ્યવંતતો તુલ્ય કુબેરજી, અચળપણામાં તુલના મેરુજી;
રૂપવંત તો જેવો કામજી, અર્જુન સરખો ધીર સંગ્રામજી.

ઢાળ

સંગ્રામવાદે સુરગુરુસમ, જનક જ્ઞાને પૂર;
દેવી ક્ષમા સરખો ક્ષમી, મુનિ રોમ હરષાતુર.