લખાણ પર જાઓ

પૃષ્ઠ:Ravan Mandodari Samvad.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


લડવું લંકમાં તે ઘણું દોહલું, આપ ઉડ્યો જશે તુચ્છ તરણે;
મહિપતિ કહે મંદોદરી તુંએ, સામળ તણા સ્વામીને જાને શરણે. ૧૦૪
મં-સ્વામિ તમ આગળે સત્ય બોલું અમો, ગાળ દેશો ઘણી વાય વાશે;
વિભિષણ ભ્રાત મળ્યો રધુનાથને, નાથ અનાથનો ચિત્ત ચહાશે;
લંક લુંટાવશે એહ આગળ રહી, ખાંત અમૃત તણી એહ ખાશે;
ગૃહ સમ તેહના વાંકા તમ દેહના, લંકનો અધિપતિ એહ થાશે. ૧૦૫

છપ્પા.

રાવણ-શી મુરખને શીખ, શી ઘેલાશું ગોષ્ટિ;
શી અદાતની કિરત, શી વેરીશું વિષ્ટિ;
શી સજ્જનશું રાડ, શી રાંકશું રુઠી;
નાગરા શું ગાંન, પ્રિત ત્યાં શી પીઠી;
શી વાત વનિતા તણી, મોટા જન કેમ માંનિયે;
સામળ કહે શાણી ઘણું, પણ પ્રમદા બુદ્ધિ પાનિયે. ૧૦૬
મંદોદરી-ગોખરુ મૂળે હાથ, હેત ઘણેથી ઘાલ્યો;
મણિધર કેરી મણ, લેવા મહિપત તું માલ્યો;
દાવાદલ ધરી દેહ, તાડથી પડિને જીવવું;
શીંગીયો સોમલ વચ્છનાગ, ઝેર હળાહળ પીવું;
રાણા રાવણ ત્યમ રામશું, અકલ ફેલાવે આડિયો;
માગ્યું મોત સામળ કહે, સૂતો સિંહ જગાડિયો. ૧૦૭
રાવણ-જાય કો પર્વત મેર, કે પાતાળે પેસે;
રહે સમુદ્રને શરણ, સુરજ મંડળ જઈ બેશે;
છેક જ થાયે રંક, કે લક્ષ લોકોને લૂંટે;
આયુર્દા ઘડી એક, નવ્ય વધે નવ્ય ખૂટે;
લલાટે લખ્યું મટે નહિ, તો નીચ થઈ નમવું કશું;
ગુણવંતને ગમે નહીં, એક હાણ બીજું હશું. ૧૦૮
મંદોદરી-જોબન મદ જર મદ, અહંકાર રાખે અલેખે;
કામતુર નર અંધ, તેહ આંખે નવ્ય દેખે;
સજ્જન મદ ને શૂર, મુરખ જન મમતી મોટા;
સાચા જે પ્રતિબોધ, તેહને મન સહુ ખોટા;