જે આખર આવ્યો અંકનો, તે કહો ટાળ્યો ક્યમ ટળે;
અંધો ભીતે અથડાય છે, ત્યારપછી પાછો વળે. ૧૦૯
રાવણ-કહે તું વાર કરોડ, શીખ માનું નહિ માઠી;
કાંગડુ કણ ન રંધાય, સો મળ બાળો જો કાઠી;
માંખણ ન આવે મેલ, વરસ સો વલોવે પાણી;
પથ્થર ઉપર જેમ નીર, અધિક શી કહું એંધાણી;
તને કામની ક્રોડ વસા કહું, મૂક તું વનિતા વારવું;
રાવણને રાડ રણજંગમાં, રામ થકી નથી હારવું. ૧૧૦
મંદોદરી-સુમન તણી સુખ સેજ, હેમ હિંચો હિંદોળા ખાટે;
ચિંતામણિની ખાણ, રત્ન પરવાળી પાટે;
માગ્યા વરસે મેહ, છયે ઋતુની છાપે;
અશોક સરિખાં વન, અલખત ભોગવિયે આપે;
નવ નિદ્ધ ને રિદ્ધ સિદ્ધ, સમૃદ્ધિ સહુ જોતાં જશે;
મંદોદરી કહે માને નહિ, ધન તારું ધૂળધાણી થશે. ૧૧૧
રાવણ-નિત્યે નંદે જે વિપ્ર, વંશ જરૂરી થયે;
દ્રવ્ય વિના વ્યાપાર, ત્યાં દેવાળું થાયે;
કાયરમાં રહે શૂર, તેહ કો વેળા નાશે;
રુડી ભુંડી ખસબોઈ, પટ બેસી રહે પાસે;
જે ઘેર ચાલ ગૃહિણી તણો, કંથ કામિનીનું કહ્યું કરે;
ગર્ધવ જાણવો તે ગૃહસ્થને, આખર અર્થ તો નવ સરે. ૧૧૨
મંદોદરી-પ્રમદા તે જ પ્રધાન, પ્રીત પ્રમદાની પ્રોઢી;
પ્રમદાથી શોભે પુરુષ, કહેવાય નરનારી જોડી;
પ્રમદા વડે ઘર સૂત્ર, પુત્ર પ્રમદાથી પામે;
અર્ધાંગ પુન્ય વિભાગ, દુઃખ વનિતાથી વામે;
ઘર છીદ્ર ઢંકાય ગૃહિણી થકી, માન સન્માન મહિમા મળે;
શુભ ઈચ્છે તે સ્વામિતણું, અંત કાળે અગ્નિમાં બળે. ૧૧૩
રાવણ-કુળ રુડે કન્યાય, ધણી બીજો નહીં ધારે;
સિંહ તણી સોબત, ન હોયે વારે વારે;
શાહા પુરુષોના બોલ, એક બોલ્યા તે બોલ્યા;
દંતુસર ગજરાજ, તણા ખોલ્યા તે ખોલ્યા;
પૃષ્ઠ:Ravan Mandodari Samvad.pdf/૨૧
દેખાવ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે