પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૫
સંયુક્તા



પણ બીજો અભિલાષ એ પણ હતો કે પિતાજી મનાય અને એ પિતાને હાથેજ મારૂં દાન આપને કરે. એ ઈચ્છા મારી પૂર્ણ ન થઈ. એમાં વિઘ્ન આવ્યું. પતિપ્રેમ મેળવ્યો છે તેનો મને આનંદ છે, પરંતુ પિતૃસ્નેહનું વિસર્જન થયું છે, તેથી જ મારો પ્રાણ રડી રહ્યો છે. પુણ્ય કરવા જતાં મેં કોઈ પાપ કર્યું છે તેથી મારા ચિત્તને શાંતિ નથી. પિતાજી મને કેટલું ચાહતા ! હું તેમની આંખની કીકી હતી. નિદ્રામાં પણ એ મનેજ બોલાવતા. હું પીરસું નહિ તો એ ભૂખ્યા રહેતા, દરેક વાતમાં મારી સલાહ લેતા. મારી આ અવિનયી વર્તણુંકથી પિતાજીને કેટલું માઠું લાગ્યું લાગ્યું હશે તેજ મને સાલે છે.

“માતાની સ્થિતિનો વિચાર કરૂં છું, ત્યારે તો મારૂં હૈયું કહ્યું જ કરતું નથી. હું એની દીકરીજ નહોતી, પણ સેવિકા-સહચરી હતી. મારી આગળ મા પોતાનાં સુખદુઃખની વાત કહેતી. પિતાજી ધમકાવે તો એ મારી આગળ આવીને રડતી. આપ જેવા યોગ્ય જમાઈ મળે એવી એની ઉત્કંઠા થતી. એમને ખબર હતી કે બાલ્યાવસ્થાથી જ હું તમને ચાહતી હતી, એના સિવાય બીજા કોઈને ખબર નહોતી. એવી સ્નેહાળ માતાની વિદાય લીધા વગર હું ચાલી આવી એ મને સાલે છે.

“સ્વામીનાથ ! રાતદિવસ એ ચિંંતા મને બાળી નાખે છે. વિધાતાએ આટલા બધા સુખમાં આવું દુઃખ પણ મારે સારૂ શા માટે નિર્માણ કર્યુ હશે ? મારી એક ઈચ્છા એજ છે કે હવે તો એક વાર કનોજ જઈ પિતાજીના ચરણમાં પડું. એ લાત મારે, અપમાન કરે તે સહન કરૂં અને બે હાથ જોડીને વિનતિ કરૂં કે, ‘બાપુ ! ક્ષમા કરો. ક્ષમા કરો. આપના ચરણ કમળમાં મને સ્થાન આપો.’”

સતી શાંત રહી. એના કમળનયનમાંથી અશ્રુધારા દડ દડ વહેતી હતી. પૃથ્વીરાજે તેને પોતાની તરફ ખેંચી હૃદયસરસી ચાંપી, આંસુ લૂછી નાખ્યાં અને એક સ્નેહચુંબન લઈ બોલ્યો : “પ્રાણાધિકે ! આમ દિલગીર ન થા. તારૂં બધું દુઃખ સમાવી દે. તારા નયનનું એકેએક અશ્રુબિંદુ તીક્ષ્ણ બાણની પેઠે મારા હૃદયને વીંધી નાખે છે. વિધાતાની આજ્ઞા લોપવાની શક્તિ કોનામાં છે ? જયચંદ અને હું જન્મથી જ શત્રુ થોડા હતા ? અમે તો એકબીજાને