પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૮
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



ધ્યાન આપવું તદ્દન છોડી દીધું હતું. સામંતોને મળવાનું અને દેશની સ્થિતિથી જાણીતા થવાનું પણ બંધ કર્યું હતું. રૈયતને રાજાનાં દર્શન નહોતાં થતાં. એમનું દુઃખ રાજાને કાને નહોતું પહોંચતું. પ્રજામાં અસંતોષ ફેલાવા માંડ્યો હતો. પૃથ્વીરાજ રાતદિવસ સંયુક્તા સાથે રંગમહેલમાંજ પડ્યો રહેતો હતો. ‘રાસો’માં ચંદ લખે છે કે, “પૃથ્વીરાજ એ સમયે કર્તવ્યહીન થઈ ગયો હતો.”

પેલી તરફ ગિઝનીમાં શાહબુદ્દીન મહંમદ ઘોરી અપમાનનો બદલો લેવા સદા તૈયાર રહેતો હતો. એના દૂતો ગુપ્તવેશમાં દિલ્હીમાં ફરતા અને પૃથ્વીરાજની બધી હકીકત પોતાના બાદશાહને લખી જણાવતા. બાદશાહ સમજી ગયો કે, પૃથ્વીરાજે કરેલા અપમાન અને પરાજયનો બદલો લેવાનો આજ ખરો સમય છે. રાજાઓમાં કુસંપ છે અને પૃથ્વીરાજ વિલાસમગ્ન છે. એણે તરતજ સૈન્ય એકઠું કરવા માંડ્યું અને થોડાક જ દિવસમાં એક પ્રચંડ સૈન્યસહિત દિલ્હી તરફ પ્રયાણ કર્યું. જયચંદ આ વખતે અંદરખાનેથી શાહબુદ્દીનની મદદે હતો. ભારતનું ભાગ્ય ફૂટ્યું હતું. એના ઘોર દુર્દિનનો સમય આવી પહોંચ્યો હતો.

પૃથ્વીરાજના સામંતો દેશરક્ષાની તૈયારીમાં ગૂંથાયા; પણ પૃથ્વીરાજ પોતે તો વિલાસમાંજ લીન હતો. ચંદે તેને ચેતવણી આપી પણ રાજાએ તેને ગણકારી નહિ.

આખરે એ સમાચાર પૃથ્વીરાજના બનેવી રાવળ સમરસિંહજીને પણ પહોંચ્યા. એમ પણ કહેવાય છે કે, એમણે એક ભયંકર સ્વપ્ન જોયું હતું, જેથી એમની ખાતરી થઈ ગઈ હતી કે ભારતના અધઃપતનનો દિવસ પાસે આવી પહોંચ્યો છે. પૃથ્વીરાજ પ્રત્યેના સ્નેહને લીધે એ પુત્રને રાજ્યકારભાર સોંપીને પુષ્કળ સૈન્યસહિત, દિલ્હીનું રક્ષણ કરવા સારૂ જઈ પહોંચ્યા. મહેલોમાં પડેલા પૃથ્વીરાજને એમનું સ્વાગત કરવાનું પણ ભાન નહોતું. સંયુક્તા ચતુર સ્ત્રી હતી, એણે માણસ મોકલીને સમરસિંહનો યોગ્ય સત્કાર કર્યો. આખરે પૃથ્વીરાજને પણ સમરસિંહને મળવા સારૂ આવવું પડ્યું. બહાર આવ્યા પછી સમરસિંહ તથા પોતાના સામંતોને મુખેથી દેશની ખરી સ્થિતિનો પરિચય મળ્યો. પોતાની ભૂલને માટે એને કાંઈ પસ્તાવો થયો. આજ એ મહાવીર કાંઈક મૂંઝાયો પણ ખરો; પરંતુ નામ પ્રમાણે ગુણ ધરાવનાર