પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૯
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



સમરનીતિવિશારદ સમરસિંહે તેને આશ્વાસન આપ્યું કે, “ગભરાવા જેવું કાંઈ નથી. ચિતોડ, અજમેર અને દિલ્હીની ત્રણ સેનાઓ સજ્જ થઈને યવનદળને રોકશે. આપણા સૈનિકો ઘણા વીર છે. વિજય આપણોજ થશે.” પછી જરા હસીને કહ્યું “પૃથ્વીરાજ ! ભય છે તો એક વાતનો છે. નાની રાણી તમને નહિ છોડે તો પછી તમે રણક્ષેત્રમાં કેવી રીતે જઈ શકશો ? મને તો લાગે છે કે તમે એને સાથે લઈને જ યુદ્ધક્ષેત્રમાં જાઓ તો ઘણું સારૂં.”

પૃથ્વીરાજે કહ્યું: “મશ્કરી કરવી રહેવા દો. પૃથ્વીરાજ સમરાંગણમાં કદી પીઠ બતાવનાર નથી. તમે યુદ્ધની તૈયારી કરો. તમારા જેવા અનુભવીની સહાયતા છે તો વિજય આપણોજ છે. હું હમણાં આવું છું.”

એટલું કહી પૃથ્વીરાજ અંતઃપુરમાં ગયો. ત્યાં ઉદ્યાનમાં સંયુક્તા એકલી બેસીને સુંદર પુષ્પહાર પોતાના કોમળ કર વડે ગૂંથી રહી હતી. એની પાસે ઢાલ તલવાર તથા ધનુષબાણ પડેલાં હતાં. પૃથ્વીરાજ એકીટશે તેની તરફ ઘણી વાર સુધી જોઈ રહ્યો અને પછી પૂછવા લાગ્યોઃ “પ્રિયે ! આજ આ શો ધંધો માંડ્યો છે ? એક તરફથી કોમળ હસ્ત વડે ફૂલ ગૂંથી રહી છે, બીજી તરફ ઢાલ તલવાર પડ્ચાં છે. આ વિચિત્ર તૈયારી કોને માટે છે ?”

સતીએ કહ્યું: “પ્રાણનાથ ! કિશોરાવસ્થાથી મને એક અભિલાષ હતો, કે મારે પોતાને હાથે સજાવીને તમને રણક્ષેત્રમાં મોકલું. એટલા માટે આજ મારે હાથે ધાર કાઢીને આ તલવાર તથા ભાલાને તૈયાર કર્યા છે. રણભૂમિની યાત્રાએ આપ કાલે નીકળશો તે સમયે પહેરાવવાને આ પુષ્પમાળા ગૂંથી રહી છું. એ વખતે મારે હાથે તમને ઢાલતરવાર ધારણ કરાવીશ તથા મારે હાથે ચાંલ્લો કરી, મુગટ પહેરાવી, પ્રસન્નમુખે વિદાય કરીશ. વીરચૂડામણિ ! દાસીનો અભિલાષ કાલે પૂરો પાડવો પડશે. તમે રણભૂમિમાં જઈને તુર્કને નસાડી મૂકો, એ દિવસ કંઈ ફરી ફરીને નથી આવવાનો.”

પૃથ્વીરાજે કહ્યું “વહાલિ ! તારો અભિલાષ પૂર્ણ થશે, પણ આ વખતે હું વહેલો પાછો નહિ ફરી શકું. ઈસ્લામના ધર્માનુયાયીઓએ આર્યાવર્તમાં રાજ્યની સ્થાપના કરવા માગે છે. આ વખતે શત્રુઓને ખબર પડી ગઈ છે કે, ન્યાતજાતના ભેદ અરે ! કુટુંબકલેશને