પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૪
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો

એ ગુહોને તેણે પોતાની બહેનપણી કમળાવતીને સુપરત કર્યો હતો અને કહ્યું હતું કે, “બહેન ! હું તો હવે પતિદેવ સાથે સ્વર્ગલોકમાં વિલાસ કરવા સારૂ અગ્નિમાં દેહસમર્પણ કરીશ. જે ઉદ્દેશને સારૂં હું જીવી હતી તે ઉદ્દેશ અંબાભવાનીની કૃપાથી ફળીભૂત થયો. આ સંસારમાં મારૂં સગુંવહાલું કોઈ નથી. જેમાં ગણું તેમાં તું જ છે. તારા ઉપર મારો પૂર્ણ વિશ્વાસ છે. તું ભણેલીગણેલી અને સમજુ છે. ગુહોને તને યોગ્ય લાગે એવા પ્રકારનું શિક્ષણ આપજે અને એ મોટો થાય ત્યારે કોઈ રજપૂત કન્યા સાથે પરણાવજે.” આ પ્રમાણે કહી ચિતા સળગાવીને એ રાણી સતી થઈ ગઈ. નાગરાણીને હાથે શિક્ષણ મેળવીને ગુહો ઘણો રાજનીતિનિપુણ અને પરાક્રમી નીવડ્યો. એ ગુહોજ હિંદુઓના સૂર્યરૂપ મનાતા, ઉદેપુરના બહાદુર અને ટેકીલા મહારાણાઓના વંશનો આદિ પૂર્વજ હતો. તે પાછળથી ગોહો, ગ્રહાદિત્ય, ઘેલોટી અને બાપારાવળના નામથી ઈતિહાસમાં પ્રસિદ્ધ થયો.

९५–लल्लावदी

એક કાશ્મીરી રમણી હતી, કાશ્મીરના એક મુસલમાન સાધુ હઝરત બુલબુલ શાહના ઉપદેશથી તેનાં માતાપિતા મુસલમાન થયાં હતાં. લલ્લા પણ શાહ સાહેબ પાસે ઉપદેશ લેવા જતી હતી. શાહ સાહેબ એક આદર્શ ફકીર હતા. તેના ઉપદેશથી લલ્લાનું જીવન ઉત્કૃષ્ટ અને સંસ્કારી બન્યું હતું. એ ઘણી વિદુષી અને ભક્ત બની હતી. એમ કહેવાય છે કે લોકોના મનની વાત જાણી જવાની તથા ભવિષ્યમાં દૃષ્ટિ નાખવાની અદ્ભુત સિદ્ધિ તેણે પ્રાપ્ત કરી હતી.

ઈ. સ. ૭પ૬ માં તેનું મૃત્યુ થયું.