પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૪
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



નિમગ્ન રહેતી હતી. ભગવાનની પૂજા અને પ્રાર્થના કરીને આ વખતે પણ સંયુક્તાએ પોતાને હાથે પતિને યુદ્ધના પોશાકમાં સજાવ્યો હતો અને કહ્યું હતું: “પ્રાણેશ્વર ! યુદ્ધમાં જય મેળવીને વહેલા વહેલા પાછા સિધાવજો. ચક્રપાણિ ગદાધર દેવ તમારૂં રક્ષણ કરજો. મારા તરફની કોઈ ચિંતા ન કરશો. મારા ભાગ્યદોષ વડે, ન કરે નારાયણ ને કાંઈ અમંગળ થશે, તો આ દુનિયામાં હું વધારે વાર ટકીશ નહિ. હું તરતજ આપને સૂર્યલોકમાં આવીને મળીશ કે જ્યાં ફરીથી કદી વિચ્છેદ અને વિયોગનું દુઃખ સહન કરવું પડતું નથી. આ યોગિનીપુર દિલ્હીમાં એક ક્ષણભર હું જીવન ધારણ નહિ કરૂં. વહાલા ! વિદાય થાઓ શત્રુઓનો સંહાર કરી જલદી પાછા ફરો.”

અશ્રુભર્યાં નયને વીર પૃથ્વીરાજે પ્રિયાને હૃદયસરસી ચાંપીને પ્રેમપૂર્વક ચુંબન કર્યું અને વિદાય થયો. પાણિપતના મેદાનમાંજ મુસલમાનોને રોકવાનો એનો વિચાર હતો. આ તરફથી પૃથ્વીરાજની સેના આગળ વધી. બીજી તરફથી શાહબુદ્દીનની સેના સામી આવવા લાગી. તરાયનના યુદ્ધસ્થળમાં બન્ને સેનાએ પડાવ નાખ્યો. હિંદુઓ સદા ધર્મયુદ્ધ કરતા આવ્યા છે, તેમને અધર્મયુદ્ધનો કદી વિચાર પણ આવતો નથી. શાહબુદ્દીન હિંદુઓનો એ સ્વભાવ જાણતો હતો તેથી તેણે આ વખતે યુક્તિથી કામ લીધું. તેણે એક પત્ર મોકલીને પૃથ્વીરાજને જણાવ્યું કે, “તમે ઇસ્લામ ધર્મનો સ્વીકાર કરો અને રાજ્યનો થોડોક ભાગ મને આપી દો તો હું સંધિ કરવા તૈયાર છું.” એનો ઉત્તર પૃથ્વીરાજે ઘણા સખ્ત શબ્દોમાં આપ્યો અને આગલી લડાઈઓમાં એને કેવી રીતે નાસી જવું પડ્યું હતું તેનું સ્મરણ કરાવ્યું અને સીધી રીતે પાછા ફરવાની સલાહ આપી. હવે શાહબુદ્દીને દગો દેવાની યુક્તિ શોધી કાઢી. એણે ઉત્તર કર્યો કે, “બાદશાહ તો મારા ભાઈ છે. હું તો કેવળ તેમના હુકમને તાબે થઈ તેમના સેનાપતિ તરીકે આવ્યો છું. એમની મરજી વગર મારાથી પાછા જવાય નહિ, માટે આપ મને થોડીક મુદત આપો. હું એટલી વારમાં દૂત મોકલીને બધો વૃત્તાંત મારા ભાઈને લખી જણાવું છું. જ્યાં સુધી ઉત્તર પાછો ન ફરે ત્યાં સુધી આપણે બન્ને યુદ્ધને બંધ રાખીશુ.” ભોળો પૃથ્વીરાજ શત્રુની પ્રપંચજાળમાં ફસાયો. રાણા સમરસિંહની સલાહ યુદ્ધ બંધ રાખવાની