પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૭
સંયુક્તા



કરાવી. જોતજોતામાં ચિતાના અગ્નિની ઝાળ આકાશને સ્પર્શ કરવા લાગી. સંયુક્તાએ રત્નમય અલંકારો ઉતારી દઈને લાલ વસ્ત્ર તથા લાલ પુષ્પની માળા પહેરીને એ અગ્નિમાં પ્રવેશ કર્યો. જોતજોતામાં તેનું લાવણ્યમય કોમળ શરીર ભસ્મીભૂત થઈ ગયું.

જાઓ , પૃથ્વીરાજ ! જાઓ, સંયુક્તા દેવિ ! સિધાવો એ પુણ્યલોકમાં કે જ્યાં નથી પાપ, તાપ, નથી ધર્મદ્રેષ, નથી જાતિદ્વેષ કે નથી જ્યાં પરરાજ્યનો લોભ. એ પુણ્યધામમાં નિત્યાનંદ અને નિત્યપ્રેમ વિરાજે છે.

પૃથ્વીરાજ સંયુક્તાને છોડીને જેટલા દિવસ રણભૂમિમાં રહ્યો હતો, તેટલા દિવસ સંયુક્તા કેવળ જળને આધારે રહી હતી. આહાર તેણે બિલકુલ છોડી દીધો હતો. ચંદ કવિના ગ્રંથમાં એક આખા અધ્યાયમાં રાણી સંયુક્તાના આ અસાધારણ પાતિવ્રત્યનું વર્ણન કરેલું છે. પાતિવ્રત્ય માટે સંયુક્તા ઉત્તમ ઉદાહરણરૂપ છે અને સ્ત્રીઓને માટે સદા પૂજ્ય છે. પતિવ્રતા સતીઓમાં તેનું નામ સદા માનપૂર્વક જળવાઈ રહેશે.

હજુ પણ જૂની દિલ્હીમાં સંયુક્તાનાં સ્મૃતિચિહ્‌ન જણાઈ આવે છે. જે કિલ્લો સંયુક્તાનો વિલાસભવન હતો, તે કિલ્લાની એક દીવાલ હજુ મોજૂદ છે; જે મહેલમાં સૌભાગ્યવતી સંયુક્તા પતિપ્રેમમાં રાતદિવસ લીન રહેતી હતી, તે મહેલના થાંભલાઓ આજ પણ એ પ્રાચીન નગરીમાં દીઠામાં આવે છે. કાળના કઠોર આક્રમણથી એ ખંડેર કોઈ દિવસ જરૂર નાશ પામશે, પરંતુ એ મહેલોની અધિષ્ઠાત્રી રાણી સંયુક્તાની સ્મૃતિ આ જગતમાંથી કદી વિલુપ્ત થશે નહિ. તેની સરળતા, તેનું પાતિવ્રત્ય, તેની ઉદારતા એ સૌ ગુણોને લીધે તેનું નામ ઇતિહાસમાં અમર રહેશે.