પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૯
શશિવૃતા



એક દિવસ તેણે રાજમહેલમાંથી પૃથ્વીરાજને જતો જોયો. પૃથ્વીરાજને પણ ખબર પડી ગઈ કે, પોતાના આવ્યાના સમાચાર રાજકુમારીને પહોંચ્યા છે. શશિવૃત્તા બીજે દિવસે પિતાની આજ્ઞા લઈને શિવપૂજન કરવા ગઈ. એની સાથે કમધજ્જ અને શશિવૃત્તાના પિતાની સેના પણ હતી.

પૃથ્વીરાજે આ સમયે યુક્તિ વાપરી. એણે પોતાના સિપાઈઓને યોગીઓના વેશમાં વીરચંદ કમધજ્જની સેનામાં દાખલ કરી દીધા. શસ્ત્રોને છુપાવીને એ લોકો એની સેનામાં ઘૂસ્યા. બીજી તરફથી પૃથ્વીરાજ પણ અશ્વ ઉપર સવાર થઈને મંદિરની પાસે ગયો અને શશિવૃત્તા મંદિરની બહાર પૂજા કરીને નીકળી એ વખતે તેનો હાથ પકડીને ઘોડા ઉપર બેસાડી ચાલ્યો ગયો.

શશિવૃત્તાનું હરણ થયેલું જોઈ વીરચંદની સેના પૃથ્વીરાજની પાછળ પડી. બન્ને પક્ષ વચ્ચે ઘણું ભારે યુદ્ધ થયું. શશિવૃત્તાનો ભાઈ એ યુદ્ધમાં માર્યો ગયો. બન્ને પક્ષના હજારો સૈનિકોનું બલિદાન અપાયા પછી પૃથ્વીરાજ શશિવૃત્તાને લઈને સહીસલામત દિલ્હી પહોચ્યો.

સંયુક્તાને પૃથ્વીરાજ પરણ્યો ત્યાંસુધી શશિવૃત્તા એના ગળાનો હાર બની રહી હતી. શશિવૃત્તાનો પતિપ્રેમ જન્મભર ઓછો થયો નહોતો. સપત્નીઓ સાથે તેની વર્તણૂક બહેનના જેવી હતી.

શશિવૃત્તાનું વિશેષ વૃત્તાંત જાણ્યામાં આવ્યું નથી.