પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



९६–रूपसुंदरी

ઇo સo સાતમા સૈકાના પાછલા ભાગમાં આ૫ણી ગરવી ગુજરાત ઉપ૨ જયશિખરી નામનો ચાવડા વંશનો રાજા રાજ્ય કરતો હતો. તેની રાજધાની પંચાસર નામના નગરમાં હતી. પંચાસર કચ્છના રણની પાસે વસેલું હતું, જયશિખરી ઘણો પ્રતાપી, ચતુર અને વીર પુરુષ હતો. પોતાના રાજ્યનો વહીવટ એણે ઘણી સારી રીતે કર્યો હતો અને તેને પરિણામે તેનું રાજ્ય ઘણી સમૃદ્ધ સ્થિતિમાં હતું. ધનધાન્ય, મણિમાણિક્ય તથા સુવર્ણ વગેરેથી ગુર્જરાધીશના ભંડાર એ સમયે ભરપૂર હતા; વળી રાજા જયશિખરીના રાજભવનમાં એક અપૂર્વ રત્ન હતું. એ રત્ન તે રાજા જયશિખરીની ધર્મ પત્ની–મુલતાનની રાજકન્યા રાણી રૂપસુંદરી હતી. રૂપસુંદરીમાં નામને અનુરૂપજ ગુણ હતા. તેનું રૂપ નિઃસંદેહ અતિ સુંદર અને દિવ્ય હતું; તે ઉપરાંત તેનામાં શુરાતન, સહનશીલતા, બુદ્ધિચાતુર્ય આદિ ઉત્તમ ગુણ પણ હતા.

રાજા જયશિખરી જે સમયમાં આપણા ગુજરાતમાં રાજ્ય કરી રહ્યો હતો, તેજ અરસામાં એટલે કે વિ. સં. ૭૫૨ અને ઈ. સ. ૬૯૬ માં કલ્યાણકટક નામના નગરમાં ભુવડ નામનો રાજા રાજ્ય કરતો હતો. કલ્યાણકટક નગર દક્ષિણ ભારતવર્ષમાં આવેલું કલ્યાણ નગર હોય એમ ઈતિહાસવેત્તાઓનું માનવું છે. રાજા ભુવડ પણ ઘણોજ પ્રતાપી હતો. તેણે પોતાનું સામ્રાજ્ય ઘણે દૂર સુધી પ્રવર્તાવ્યું હતું. આસપાસના ઘણા મુલકો રાજા ભુવડના ઝંડાતળે આવી ચૂક્યા હતા. જે રાજ્યો સીધી રીતે તેના રાજ્યમાં ખાલસા નહોતાં થઈ ગયાં તે રાજ્યોએ ભુવડને ખંડણી આપીને તેનું ઉપરીપણું સ્વીકાર્યું હતું. એ સમયના પ્રસિદ્ધ રાજાઓમાંથી ફક્ત ગુજરાતનો રાજા જયશિખરીજ તેના

૧૯૫