પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૩
વીરકન્યા તાજકુંવર



સ્વામી બનવાની તેને તીવ્ર ઈચ્છા હતી. તરતજ તેણે પોતાના સરદારને લડાઈની તૈયારી કરવાનો હુકમ આપ્યો અને સજ્જનસિંહને ખબર મોકલાવી કે, “તારી છોકરીએ મારા સૈનિકોને વગર કારણે ત્રાસ આપ્યો છે, માટે તું એ છોકરીને મારે સ્વાધીન કર; નહિ તો મારી સાથે યુદ્ધ કરવા તૈયાર થા.” આ સંદેશો સાંભળીને સજ્જનસિંહ અને તેના અનુયાયીઓને ઘણોજ ક્રોધ વ્યાપી ગયો. તેમણે તેના ઉત્તરમાં કહેવરાવ્યું કે, “આખું કિસોરા શહેર પોતાના પ્રાણ આપવા તૈયાર છે. અમે કદી પણ અમારા કુળને કલંક લગાડનારૂં કૃત્ય કરીશું નહિ. દુષ્ટ યવનોનો સંહાર કરવા સારૂજ રજપૂતો જન્મ ધારણ કરે છે.” આ ઉત્તર સાંભળીને મુસલમાન બાદશાહનો ક્રોધ વધી ગયો. ઘણું મોટું સૈન્ય લઈને એ કિસોરા ઉપર ચડાઈ લઈ ગયો. કિસોરા ઉપર એક મોટું સંકટ આવી પડ્યું, પણ રજપૂત વીરો જરા પણ ભયભીત થયા નહિ. તેમણે પણ તૈયારી કરી રાખી હતી. મરતાં સુધી સ્વતંત્રતાને માટે લડવાનો તેમણે નિશ્ચય કરી રાખ્યો હતો.

પ્રત્યેક રજપૂત વીર પોતાના પવિત્ર કુળની ખાતર, પ્રાણથી પણ અધિક પ્રિય સ્વાધીનતાની ખાતર અને સ્વર્ગથી પણ શ્રેષ્ઠ જન્મભૂમિની ખાતર देहं पातयामि वा कार्यं साधयामि । એ સંકલ્પ કરીને હથિયાર સજીને શત્રુની રાહ જોતો નગરના કોટ આગળ ઉભો હતો, એટલામાં શત્રુઓએ કિસોરા શહેરને બહારથી ઘેરો ઘાલ્યો અને ફરીથી સંદેશો કહાવ્યો કે, “હજુ સમજી જાઓ. તાજકુંવરને અમારા હાથમાં સોંપી દઈને તમારા રાજ્યની સ્વતંત્રતાનો બચાવ કરો.” પણ રજપૂતો એવી ધમકી સાંખી રહે એવા બાયલા નહોતા. “અમે અમારી સ્વતંત્રતાનું રક્ષણ યુદ્ધથીજ કરીશું” એવો સ્પષ્ટ ઉત્તર તેમણે મોકલી આપ્યો. હવે મુસલમાનોને યુદ્ધ કર્યા સિવાય છૂટકો જ નહોતો. યુદ્ધ આરંભાયું.

આ સમયે ઉત્તર તરફના એક ઊંચા બુરજ ઉપર બે તરુણ ધનુષ્યબાણ સજીને ઊભા હતા. બન્નેની ઊભા રહેવાની છટા ઘણીજ ચિત્તાકર્ષક હતી. બન્નેના ચહેરા ઘણા મનોહર દેખાતા હતા; પણ એ બે તરુણોમાંથી એકના મુખ ઉપર સુકુમારતા વધારે સ્પષ્ટ જણાઈ આવતી હતી. તેનો ચહેરો નયનરંજક હતો. વાચકવૃન્દ ! એ તરુણ કોણ હતો ? એ તો વીરવેશધારી આપણી ચરિત્રનાચિકા વીર કન્યા તાજકુંવર હતી. તેનાં નેત્રોમાંથી આ વેળાએ