પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૪
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



અગ્નિ વરસી રહ્યો હતો. યુદ્ધ શરૂ થતાંવારજ યવનોએ પહેલાં તો કોટના દરવાજા ઉપર હુમલો કરીને તેને તોડી નાખ્યા તથા એ રસ્તે અંદર પેસવાનું શરૂ કર્યું. રજપૂતોએ ઘણું પરાક્રમ બતાવીને એ વખત તેમને પાછા હઠાવ્યા; પરંતુ આખરે શત્રુઓએ કિસોરા શહેરમાં પ્રવેશ કર્યો. એ વખતે ઘણું જ ભયંકર યુદ્ધ થયું. તેમાં રાજા સજ્જનસિંહ મરણ પામ્યો અને રજપૂતપક્ષ નબળો પડ્યો.

પેલી તરફ લક્ષ્મણસિંહ અને તાજકુંવર બુરજ ઉપરથી શત્રુઓ ઉપર તીરોનો એકસરખો વરવાદ વરસાવી રહ્યાં હતાં. સજ્જનસિંહના મૃત્યુ વખતે યવન લશ્કરમાં જયજયકારનો ધ્વનિ થયો અને આખા શહેરમાં મુસલમાન સેના પ્રસરી ગઈ, પરંતુ લક્ષ્મણસિંહ અને તાજકુંવર એ સમયે પણ ઉપરાઉપરી બાણ છોડીને અનેક મુસલમાનોને ભોંયભેગા કરતાં હતાં. તાજકુંવરની છટા જોઈને મુસલમાન સેનાપતિ આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે આજ્ઞા આપી કે, “સરદાર ! ગમે તેમ કરીને આ તરુણ (તાજકુંવર)ને જીવતો પકડજો. જો કોઈ એ કામ પાર ઉતારશે તેને હું બક્ષિસ…” એટલું બોલતાં બોલતાંમાંજ તે બેશુદ્ધ થઈને નીચે પડ્યો અને મરણ પામ્યો. જે સમયે તેણે તાજકુંવર તરફ ઈશારો કરીને તેને જીવતી પકડવાની સૂચના કરી હતી, તેજ સમયે તાજકુંવરે તેના તરફ તાકીને તીર માર્યું હતું અને એ એકજ તીરે તેની જિદગીનો અંત આણ્યો હતો. એ સમયે તેના અનુયાયીઓ ‘દીન દીન’ કરતા બુરજ ઉપર ચડી ગયા. તેમની સાથે યુદ્ધ કરવામાં તાજકુંવરે ઘણી બહાદુરી બતાવી. તેણે એકંદરે ૮૦ પઠાણોને ઠાર માર્યા; પણ યવનસેના ઘણી પાસે આવતી ગઈ ત્યારે તેણે ભાઈને પોતાનું રક્ષણ કરવાનો વિનતિ કરી, પરંતુ રક્ષણનો કોઈ ઉપાય નહોતો. વાચક ! લક્ષ્મણસિંહે તાજકુંવરનું કેવી રીતે રક્ષણ કર્યું તે સાંભળવા માગો છો ?

યવનનો સ્પર્શ પોતાની પવિત્ર બહેનને ન થાય એટલા સારૂ વીરયુવકે પોતાની તલવાર એકદમ ઉગામી, મમતાનું આવરણ એકદમ કાઢી નાખ્યું અને પોતાને હાથેજ તાજકુંવરના બે કકડા કરીને તેને શત્રુઓના હાથમાં જતી બચાવી. તાજકુંવર પણ એથી પ્રસન્ન થઈ હતી. આખરે લક્ષ્મણસિંહ પણ શત્રુઓની સાથે યુદ્ધ કરતાં કરતાં મરણ પામ્યો. રાજસ્થાનમાં આજ પણ તાજકુંવરના પરાક્રમનાં યશોગાન ગવાય છે.