પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૮
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



જગમાલ નામનો ભાટ રાજાની આજ્ઞાથી આલ્હા અને ઉદલને બોલાવવા માટે કનોજ પહોંચ્યો અને તેમની પાસે જઈને પૃથ્વીરાજની ચડાઈનું વૃત્તાંત સવિસ્તર કર્યું તથા જણાવ્યું કે, “મહોબાના રાજા તમારી મદદ ચાહે છે. તમને રાણી મીનળદેવી ઘણાં સંભારે છે. તમારૂં સ્મરણ થતાંવારજ તેમની આંખમાં અશ્રુ આવે છે અને રોતાં રોતાં કહે છે કે, “હાય, એ બે ભાઈઓના ચાલ્યા જવાથી અમારા રાજ્યમાંથી ચંદેલવંશની બધી પ્રસિદ્ધિ અને પ્રતિષ્ઠા લુપ્ત થઈ ગઈ છે. તમે મહોબા નહિ આવો તો પછી પસ્તાવું પડશે, માટે હમણાંજ મહોબા આવવાને તૈયાર થાઓ.”

એ ભાઈઓએ જગમાલ ભાટની વિનતિ ઉપર જરા પણ લક્ષ આપ્યું નહિ. એમણે કહ્યું: “તમારા મહોબા ઉપર ધૂળ પડો ! અમારે એની શી ગરજ છે ? જે રાજાએ વગર કારણે અમને દેશનિકાલ કર્યા છે, તેમની મદદે અમે નથી આવવાના. તમારા રાજાને અમારી તરફથી કહી દેજો કે, આ વખતે એકલા પૃથ્વીરાજની સાથે લડે. અમારા બાપે મહોબા રાજ્યની જિંદગીપર્યત સેવા કરી અને તેમની તરફથી અનેક યુદ્ધો કરીને રાજ્યની મર્યાદા વધારી. અમે પણ દેવગઢ, ચંદેરી વગેરે મજબૂત ગઢ જીત્યા છે.”

વળી આલ્હાએ કહ્યું: “મેં કછવાહા રાજાને જીત્યો, ગયામાં વિજય મેળવ્યો, રૈપુરા જીત્યું, ગંગા અને યમુનાના પ્રદેશમાં અપૂર્વ વીરતા બતાવી, મેવાતનો નાશ કર્યો, સાત લડાઈઓમાં હું ઘાયલ થયો અને પિતાના મૃત્યુ પછી ચાલીસ યુદ્ધમાં મેં વિજય પ્રાપ્ત કર્યો. ત્રણ મોટા મોટાં યુદ્ધમાં હું મરતાં મરતાં બચ્યો. ચંદેલ રાજ્યની પ્રતિષ્ઠા મારી મહેનતથી સચવાઈ રહી છે, પણ તેને બદલે મને એ મળ્યું કે જન્મભૂમિમાંથી અમે દેશનિકાલ થયા.”

તેમને તેડવા ગયેલા દૂતે કહ્યું: “રાજા પરમારની બાલ્યાવસ્થામાં એમના પિતા ગુજરી ગયા હતા અને અંતકાળે રાજાની સંભાળ રાખવાનું કામ તમારા પિતા જસરાજને સોંપ્યું હતું. તમારા પિતા રાજાના પિતાસ્થાને હતા. તમે એમના ધર્મબંધુ છો. રાજા ઉપર આવી પડેલી આ આફતને સમયે તમારે તેમને છોડી દેવા ન જોઈએ. જે રજપૂત આપત્તિ સમયે પોતાના રાજા સાથે વિશ્વાસઘાત કરે છે તે અંતે નરકગામી થાય છે. તમારા પિતાની પેઠે સ્વામીભક્ત બની રહો. તમારા જન્મના ઉત્સવમાં રાજાએ લાખો રૂપિયા ખર્ચ કર્યો હતો અને તમે તેને આપત્તિગ્રસ્ત