પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૯
દેવળદેવી



થઈને સુખેથી કનોજમાં બેસી રહે એ વાજબી છે કે ? મીનળદેવી રાણી તો તમને પોતાના પુત્રતુલ્ય ગણે છે અને તમને મળવાને માટે ઘણીજ ઉત્સુક છે. તેમણે મારી સાથે તમારી માતાને કહેવરાવ્યું છે કે, ‘બહેન ! તમે વારેઘડીએ કહેતાં હતાં કે, હું મરણપર્યંત મહોબા નહિ છોડું, આજે એ પ્રતિજ્ઞા પૂર્ણ કરો.’ જે મનુષ્ય પ્રતિજ્ઞાનો ભંગ કરે છે તે નરકમાં જાય છે.”

દેવળદેવીએ રાણીનો આ સંદેશો સાંભળીને ઊંચે સ્વરે કહ્યું: “પુત્રો ! ઊઠો અને જલદી મહોબા પહોંચો.” આલ્હા તો માની આજ્ઞા સાંભળીને ચૂપ રહ્યો, પણ ઉદલે ઉત્તર આપ્યો કે, “મહોબા સાથે અમારે કાંઈ લાગતુંવળગતું નથી. જે દિવસે રાજાએ અમારૂં અપમાન કરીને દેશમાંથી કાઢી મૂક્યા હતા, એ દિવસ હજુ અમે ભૂલી ગયા નથી. હવે તો કનોજ અમારૂં નિવાસસ્થાન છે.” દેવળદેવીએ એકદમ ગુસ્સે થઈને કહ્યું: “હાય ! હું વાંઝણી શા માટે ન રહી ? રજપૂતોની મર્યાદા વિરુદ્ધ આપત્તિમાં આવી પડેલા રાજાની મદદે નહિ જનારા પુત્રો મેં શા સારૂ જણ્યા ?” પછી દુઃખપૂર્ણ હૃદયે આંખમાં આંસુ સાથે કહેવા લાગી: “હે ઈશ્વર ! શા માટે તે કુળને કલંક લગાડનાર આ પુત્રોનો મારે પેટે જન્મ આપ્યો. ખરો ક્ષત્રિય હોય છે, તે તો યુદ્ધનું નામ સાંભળતાંવારજ ઉમંગમાં આવી જાય છે અને પોતાનું પરાક્રમ બતાવવાનો પ્રસંગ મળ્યાથી ખુશખુશ થઈ જાય છે; પરંતુ આ દુષ્ટો તો એવા કપૂત નીકળ્યા કે એમને જસરાજનાં સંતાન કહેતાં પણ શરમ આવે છે.”

માતાનાં આ કોધવચન સાંભળીને બન્ને પુત્રો ઉદાસ મુખે અને શોકાશ્રુપૂર્ણ નયન સાથે ઊભા થયા અને કહેવા લાગ્યા: “આજે અમે પ્રતિજ્ઞા કરીએ છીએ કે, મહોબાના રક્ષણને માટે રણક્ષેત્રમાં અમે અમારા કુળની આબરૂ અમર રહે એવાં પરાક્રમ નહિ કરીએ, ત્યાં સુધી અમે તમને મોં નહિ બતાવીએ.”

આખરે કનોજના રાજાની રજા લઈને આલ્હા અને ઉદલ મહોબા ગયા. જતી વખતે કાંઇક અપશુકન થયા. તેમને તેડવા આવેલા કવિરાજે એ અપશુકનોનું ફળ જણાવ્યું; પણ એ બે વીર ભાઈઓએ હસીને કહ્યું કે, “ધર્મયુદ્ધમાં જનાર ક્ષત્રિય વીરોને માટે મૃત્યુ હર્ષદાયક છે, શોકજનક નથી. ક્ષાત્રધર્મ ઘણો કઠણ છે, કંટકમય છે; પરંતુ અમે એને જરા પણ કષ્ટસાધ્ય નથી ગણતા. જે થવાનું હોય તે થાય. અમે યુદ્ધમાં હર્ષપૂર્વક મરવાને માટે