પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૦
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



સદા તૈયાર છીએ.” આ પ્રમાણે કહીને બન્ને ભાઈઓએ ઘોડાઓને વેગપૂર્વક ચલાવ્યા. મહોબામાં પેસતાંવારજ તેમણે કેસરિયાં વસ્ત્ર ધારણ કર્યાં. રજપૂતોને જ્યારે મરવાનો સમય આવે છે, ત્યારે તેઓ એવાં વસ્ત્ર પહેરીને યુદ્ધમાં ઊતરી પડે છે અને મરણિયા થઈને લડે છે. મહોબનો રાજા એ બે વીરોનું સ્વાગત કરવા સામે આવ્યો. રાણી મીનળદેવીએ પણ તેમનો ઘણો સત્કાર કર્યો તથા પોતાની મદદે આવવા માટે ધન્યવાદ આપ્યો. તેણે બન્ને ભાઈઓને પોતાની પાસે બોલાવીને માથા ઉપર હાથ મૂકીને આશીર્વાદ દીધો. બન્નેએ નીચા નમીને રાણીને દંડવત્ કર્યા. આલ્હાએ કહ્યું: “મારૂં શિર મહોબાને અર્પણ છે.” રાણીએ એક રત્ન ભરેલો થાળ તેના માથા ઉપરથી ન્યોચ્છાવર કરીને ગરીબોને વહેંચી દીધો. તેમને તેડી લાવનાર દૂતને ચાર ગામ બક્ષિસ મળ્યાં.

પૃથ્વીરાજને આલ્હા અને ઉદલના આવ્યાના સમાચાર મળ્યા, ત્યારે તેણે દૂત મોકલીને કહેવરાવ્યું કે, “યુદ્ધને માટે તૈયાર થઈ જાઓ, કાં તો મહોબા અમને સોંપી દો.” પરમાર રાજાએ ઉત્તર મોકલ્યો કે, “રવિવારે યુદ્ધ થશે.” પરંતુ પૃથ્વીરાજે રવિવારને બદલે શુક્રવારને દિવસે જ રણવાદ્ય વગાડ્યાં અને કહેવરાવ્યું કે, “તમને જેટલો અવકાશ આપવાનું મેં વચન આપ્યું હતું, તેટલો અવકાશ મળી ચૂક્યો, હવે વધુ સમય આપી શકાય એમ નથી.” દિલ્હીની સેના યુદ્ધને માટે તૈયાર થઈ અને યુદ્ધનો ઝંડો જે મેદાનમાં દાટ્યો હતો, તે મેદાનમાં બધા એકઠા થયા.

યુદ્ધમાં જતાં પહેલાં મહોબામાં યુદ્ધ સંબંધી વિચાર કરવા માટે એક દરબાર ભરાયો હતો. મીનળદેવી અને દેવળદેવી પણ પડદામાં બેસીને સભાનું કામ જોતી હતી. મીનળદેવીએ કહ્યું: “આલ્હાની મા ! પૃથ્વીરાજ ઉપર વિજય કેવી રીતે મળી શકશે ? આ યુદ્ધમાં આપણો પરાજય થશે, તો મહોબા હાથથી જશે. વળી જો આપણે યુદ્ધ કર્યા વગર જ પૃથ્વીરાજના ખંડિયા રાજા બનીએ છીએ, તો તેથી આપણા કુળનું ગૌરવ જાય છે.”

એના જવાબમાં દેવળદેવીએ કહ્યું: “પહેલાં સરદારો શી સલાહ આપે છે, તે આપણે સાંભળીએ.” માતાના આ શબ્દો સાંભળીને આલ્હા બોલી ઊઠ્યો: “હે મા ! તમારા પુત્રની વાત ધ્યાનપૂર્વક સાંભળો. ક્ષત્રિયોને પોતાના સ્વામીની સાથે નિમકહલાલી કરવાની હંમેશાં ઈચ્છા હોય છે. જે ક્ષત્રિયમાં સ્વામીભક્તિ છે,