પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૧
દેવળદેવી



તે તો હંમેશાં પોતાના સુખનો વિચાર કર્યા વગર પ્રાણ સમર્પણ કરશે. ચૌહાણોની સાથે યુદ્ધ કરીને હું એવું પરાક્રમ બતાવીશ કે, જે સદા યાદ રહેશે. હે મહારાજ ! હું મારા બાળક પુત્ર ઇદલને તમારે શરણે મૂકું છું. મારૂં મૃત્યું થાય તો એની સંભાળ રાખજો. મારી માતા માટે મારે કાંઈ કહેવાનું નથી. એ બધી રીતે યોગ્ય છે અને પોતાનું કર્તવ્ય ઘણી સારી રીતે સમજે છે.”

દેવળદેવીએ કહ્યું: “શૂરવીર પુત્ર ! તે ઠીક કહ્યું.”

સભામાં બિરાજેલા બધા આલ્હાને ધન્યવાદ દઈ પ્રશંસા કરવા લાગ્યા.

કેટલાક કાયર પુરુષોએ સલાહ આપી કે, “પૃથ્વીરાજ ચૌહાણનું લશ્કર ઘણું વધારે છે, તેની સામે આપણાથી ટક્કર ઝીલી શકાશે નહિ; માટે એમની સાથે સંધિ કરીને ખંડણી આપવાનું વચન આપવું એજ વધારે ડહાપણભરેલું છે.” પરંતુ એ દોઢડાહ્યાઓની સલાહના જવાબમાં ઉદલે કહ્યું: “તમે બધા અત્યારે ડાહી ડાહી વાતો કરવા આવ્યા છો, પણ પૃથ્વીરાજના ઘાયલ થયેલા માણસોની સામે ધર્મવિરુદ્ધ પ્રહાર કર્યા હતા, તે વખતે તમે બધા ત્યાં ગયા હતા ? એ વખતે વિચાર નહોતો કર્યો કે, પૃથ્વીરાજ આનો બદલો લીધા વગર છોડશે નહિ ? હવે તો છેવટનો નિશ્ચય તલવારથીજ થશે, હવે તો તમે બધા તલવાર ખેલીને એવું પરાક્રમ બતાવો કે, તમારા માબાપનું નામ જગતમાં વિખ્યાત થઈ જાય. જુઓ, પૃથ્વીરાજના સૈનિકોએ આપણી પ્રજામાંથી જેમનાં ઘરબાર લૂંટી લીધાં છે, ખેતરપાદર સળગાવી મૂક્યાં છે તેઓ અહીંયાં આપણી પાસે ફરિયાદ કરવા આવ્યા છે. તેમને ઈન્સાફ આપશો કે નહિ ? એમની ખાતર આપણે યુદ્ધ કરવું જોઈએ કે નહિ ? હે યોદ્ધાઓ ! ઊઠો અને ચંદેલ રાજ્યની પ્રાચીન પ્રતિષ્ઠાને કલંક ન લગાડો. જ્યાંસુધી મારા દેહમાં જીવ છે, ત્યાંસુધી મહોબાને હાથમાંથી નહિ જવા દઉં.”

દેવળદેવી પોપિતાના શૂરવીર પુત્રની વાત સાંભળીને ગદ્‌ગદ થઈ ગઈ અને કહેવા લાગી કે, “આજ મારી કૂખને ધન્ય છે. આજ તારાં વચનો સાંભળીને હું ઘણી પ્રસન્ન થઈ છું. મારી ખાતરી છે કે તારા પરાક્રમના સંબંધમાં પણ હું ઘણી પ્રશંસા સાંભળીશ.”

યુદ્ધનો સમય જેમ જેમ પાસે આવતો ગયો, તેમ તેમ શૂરવીરોનો ઉત્સાહ વધતો ગયો અને કાયરોનાં હૈયાં ગભરાવા લાગ્યાં.