પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૪
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



રાજાની કન્યા હતી. મેવાડમાં શૂરવીર રાણીઓ ઘણી થઈ ગઈ છે, પણ એમાં સૌથી પહેલી વીરાંગના ગુર્જર–દુહિતા આ કર્મદેવી હતી, એ આપણે માટે ઓછા ગૌરવની વાત નથી. પૃથ્વીરાજની મદદે યુદ્ધમાં જતી વખતે સમરસિંહે પોતાના સગીર વયના પુત્ર કર્ણને રાજ્યને કારભાર સોંપ્યો હતો. બાળકપુત્રના વાલી તરીકે કર્મદેવીજ રાજ્ય ચલાવતી હતી. સમરસિંહના મૃત્યુસમાચાર મળતાંવાજ પૃથા તો સતી થઈ ગઈ, પણ રાજધર્મની ખાતર બાળક પુત્રને રાજકાર્યમાં મદદ કરવા ખાતર કર્મદેવી પતિનું અનુગમન કરી શકી નહિ. કઠોર વૈધવ્યવ્રત પાળીને એ પુત્રપાલન તથા રાજ્યનું શાસન ચલાવવા લાગી.

બીજી તરફ મહંમદ ઘોરીએ દિલ્હી જીત્યા પછી બીજે વર્ષે દેશદ્રોહી કનોજરાજ જયચંદને પરાસ્ત કરીને કનોજ લીધું હતું. ધીમે ધીમે તેણે બીજા પણ હિંદુ રાજ્યો સર કર્યા અને આ પ્રમાણે ઉપરાઉપરી વિજય મળવાથી ઉત્સાહિત થઈને શાહબુદ્દીન ઘોરીના સેનાપતિ કુતુબુદ્દીને પુષ્કળ સૈન્ય સાથે વીરભૂમિ રજપૂતાનાના મુખ્ય રાજ્ય મેવાડ ઉપર આક્રમણ કર્યું.

મેવાડનો રાજા કર્ણ એ વખતે સગીર વયનો હોવાથી, કર્મદેવી રાજ્ય ચલાવતી હતી. જે પ્રબળ મુસલમાની શક્તિના પ્રવાહમાં આખું ઉત્તર હિંદુસ્તાન તણાઈ ગયું હતું, તે પ્રબળ પ્રવાહ આજે નાનકડા મેવાડ તરફ વહ્યો. એ પ્રવાહને રોકીને આજ મેવાડ પોતાનું રક્ષણ કરશે ? મેવાડના વીરપુરુષોનો નેતા સમરસિંહ હવે આ સંસારમાં નથી, તો પછી એ મહાવીર યોગિંદ્રના કુલગૌરવનું રક્ષણ કોણ કરશે ? સરદારો અને અમલદારો ચિંતાગ્રસ્ત થયા. બધાએ કર્મદેવીની પાસે જઈને સઘળી હકીકત જણાવી. કર્મદેવીએ કહ્યું: “સરદારો ! તમે આટલા બધા વીર પુરુષો જીવો છો, પછી મેવાડના રક્ષણ માટેની ચિંતા શી ?”

સરદારોએ કહ્યું: “મેવાડની સ્વતંત્રતાના રક્ષણ સારૂ અમે બધા મરવા તૈયાર છીએ. અમે તો મરીશું પણ મેવાડ તો બચશે નહિ ને ?”

કર્મદેવીએ કહ્યું: “તમે બધા જીવસટ્ટે યુદ્ધ કરશો, તો પઠાણોની મગદૂર શી છે કે મેવાડને જીતી લે ?”

સરદારોએ કહ્યું: “માજી ! મૃત્યુથી તો દેશની આબરૂનું રક્ષણ થઈ શકશે, દેશનું નહિ. આજ જો સમરસિંહ હોત તો અમારામાં