પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૭
સતી નાગમતી



ખેતરમાં સાંતીડાનો તદ્દન સીધો ચાસ કાઢવો કે જેથી ચાસની વચ્ચે એક શેઢે મૂકેલી સોપારી બીજે સેઢેથી જોઈ શકાય. રાજાએ ઉમેદવારોને ખેતીનાં સાધનો પૂરાં પાડ્યાં તથા યોગ્ય સૂચનાઓ પણ આપી. જાતે કોઈ કોઈ વખત તેમનું કાર્ય તપાસી પણ આવતો.

થોડા સમયમાં દેશમાં દુકાળ પડ્યો. મૂળે તો કચ્છમાં વરસાદ ઓછો પડે છે, તેમાં એ વર્ષે વરસાદ બિલકુલ નહિ પડવાથી પાણીના પણ સાંસા પડવા લાગ્યા. લોકો ઢોર તથા કુટુંબીઓને લઈને આસપાસના પ્રદેશમાં નાસવા લાગ્યા.

કાનસૂડો પણ સૌરાષ્ટ્રમાં સમિયાણા નામના રાજ્યમાં પોતાનાં ઢોરને લઈ જઈને સપરિવાર રહ્યો.

સમિયાણાનો રાજા ઘમ્મરવાળો એક રાજનીતિકુશળ અને ધર્મનિષ્ઠાવાળો દયાળુ રાજા હતો. એની રૈયતે નવા આવેલા લોકોને પોતાની સીમામાં ન આવવા દેવાનો ઘણો આગ્રહ કર્યો; પણ ઘમ્મરવાળો સમજુ રાજા હતા. એણે તપાસ કરાવી અને કાનસૂડો એક કુલીન રાજા છે અને વખાનો માર્યો આશ્રય લેવા આવ્યો છે, એ વાત જાણતાં એ એને મળવા સારૂ પાદરે ગયો. ભેડા રાજાએ તેનો ઘણો આદરસત્કાર કર્યો અને પોતાને ત્યાં ભોજન કરવાનો આગ્રહ કર્યો. ઘમ્મરવાળાને તેના આગ્રહને માન આપવું જ પડ્યું. ભોજન પ્રસંગે ઘમ્મરવાળાને નાગમતીને જોવાનો પ્રસંગ આવ્યો. તેનું રૂપ તથા સુશીલતા જોઈને એને એ કન્યાને પોતાની પુત્રવધૂ બનાવવાની અભિલાષા થઈ. ભેડા રાજાના નિવાસ માટે અનેક સગવડો કરી આપીને તે પાછો ફર્યો.

ઘમ્મરવાળાના પુત્ર નાગવાળાને કાને નાગમતીના રૂપ તથા ગુણની પ્રશંસા પહોંચી ચૂકી હતી. એ સુંદર કન્યાને જોવાની તેને પણ ઈચ્છા થઇ.

એક દિવસ તે સરોવરકાંઠે ફરવા ગયો હતો, ત્યાં એણે નાગમતીને સ્નાન કરતી જોઈ. તેની કાકી જે પ્રૌઢ વયની હતી તે કિનારે બેસીને તેનાં વસ્ત્ર સાચવતી હતી. નાગમતીનું સૌંદર્ય પ્રત્યક્ષ જોઈને કુમાર મુગ્ધ થઈ ગયો. નાગમતીના હૃદયમાં પણ કુમાર નાગવાળાને જોતાં એકદમ પ્રેમનો સંચાર થયો. બન્નેનાં નેત્ર ઉપરથી પ્રૌઢ કાકી તેમનો મનોભાવ સમજી ગઈ, તેને ખબર