પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૯
સતી નાગમતી



“જળ તરસ્યો જુવાન, જળ દેખી જળમાં પડ્યો;
ભિંજે પાખર (ને) પલાણ, (તોય)નેણે હેરે નાગમતી તણાં.”

પત્નીનો આ ઠપકો સાંભળી નાગવાળો શરમાઈ ગયો. તેના મુખમાંથી એક શબ્દ નીકળ્યો નહિ, એટલે રૂપનું અભિમાન ધરાવતી આલણદેએ કહ્યું :—

“આભા મંડન વીજળી, ધરતી મંડન મેહ;
નરા મંડન નાગડો (ત્યમ) સ્ત્રિયાં આલણદેહ.”

અર્થાત્ મારા જેવી સુંદર સ્ત્રી બીજી કોઈ નથી છતાં, તું શા સારૂ આમ ફાંફાં મારે છે ? હવે નાગવાળાથી ચૂપ રહેવાયું નહિ. એણે ઉત્તર આપ્યો-

“આલણદે એંકાર (તે) કાયાનો કરિયે નહિ;
(ઈ) ઘડિયલ કાચો ધાર (તે) માટીમાં જાશે મળી.”

હવે આલણદેનો ગુસ્સો નાગમતી ઉપર ઉતરી પડ્યો. તેણે એ નિર્દોષ કન્યાને ઘણાં મેણાં માર્યાં.

નાગમતીએ વિનયપૂર્વક ઉત્તર આપ્યો કે, “બહેન ! હું તમારા પતિને બોલાવવા નહોતી ગઈ, એ અહીં આવ્યા અને એમનો વેઢ પાણીમાં પડી ગયો. હું તેને શોધી રહી છું. ચાલો, તમે પણ આવો તો આપણે બન્ને મળીને શેાધી કાઢીએ ! આલણદે એ સાંભળતાંજ પાણીમાં પડી અને તેનો ચોટલો પકડીને ખૂબ મારવા લાગી. નાગવાળાએ તેને એમ કરતાં વારી; પણ તેણે નજ માન્યું, ત્યારે આખરે નાગવાળાએ પત્નીને એક ચાબુક ખેંચી કાઢ્યો. આલણદે એ સોળને પંપાળવા લાગી, એટલે નાગમતી પોતાની દાસી સાથે ત્યાંથી ચાલી ગઈ. નાગવાળો પણ ઘોડો દોડાવતો મહેલમાં ગયો.

આજના બનાવથી આલણદેને નાગમતી ઉપર પુષ્કળ ક્રોધ ઊપજ્યો. પોતાના અપમાનનો બદલો લેવાનો એણે નિશ્ચય કર્યો અને એને મારી નાખવા માટે કેટલાંક માણસોને તૈયાર કર્યા.

કાનસૂવા ભેડાએ હવે બીજા પ્રદેશમાં જવાનો નિશ્ચય કર્યો હતો. નાગમતીએ જતા પહેલાં પ્રિયતમની છેલ્લી મુલાકાત લેવાનો વિચાર કર્યો. પિતાની આજ્ઞા લઈ, કસ્તૂરી કાકી તથા બીજી દાસીઓને સાથે લઈ રથમાં બેસી તે ગામ જેવા ગઈ, ત્યાં આગળ બજારમાં નાગવાળાનાં તેને દર્શન થયાં. નાગમતીએ એક દૂહો