પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૧
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



પિતાએ હવે પ્રસન્નતાથી પુત્રને આશીર્વાદપૂર્વક રજા આપી. નાગવાળો પોતાના પાણીદાર ઘોડા ઉપર સવાર થઈને નાગમતીના પિતાના ઉતારા ભણી ગયો. ત્યાં જતાં ખબર પડી કે એ લોકો તો વહેલાં કૂચ કરી ગયાં છે. કુમાર એમની પાછળ પાછળ ભેડાની રાજધાની કાનમેર ગયો. ત્યાં એને ખબર પડી કે કાનમેરમાં હવે વ૨સાદ સારો વરસવાથી નાગમતીને વરવા સારૂ અનેક ઉમેદવારો ખેતી કરવા સારૂ ત્યાં આવીને હાજર થયા છે. નાગમતીને પ્રાપ્ત કરવાના અભિલાષમાં એ બધા રાજકુમારો સાધારણ ખેડૂતનું કામ કરતા, એટલું જ નહિ પણ ખેડૂતની પેઠે જ છાશ અને રોટલાનું સાદું ભોજન કરતા અને સરળ જીવન ગાળતા. રાજમહેલમાંથી છાશ અને રોટલાનું ભોજન ગાડામાં ભરાઈને એમને સારૂ આવતું અને બધા આનંદપૂર્વક એ સાદો આહાર કરતા. નાગવાળો પણ એ ઉમેદવારવર્ગમાં દાખલ થયો અને ધીમે ધીમે કૃષિકર્મની બારાખડી શીખવા લાગ્યો.

રિવાજ પ્રમાણે ગાડામાં બધાને સારૂ ભોજન આવ્યું. નાગવાળાએ એ ભોજન ખાવાની ના કહી. તે ઉપરથી બીજા યુવકોએ મશ્કરી કરી કે, “ભાઈ ! એ તો આપણી પઠે નહિ ખાય. એને તો નાગમતી ભાત લાવી આપશે ત્યારે ખાશે.” કુમારે કાંઈ ઉત્તર ન દીધો અને ત્રણ ચાર દિવસ નિરાહારજ રહ્યો. આ સમાચાર નાગમતીને કાને પહોંચ્યા એટલે તેણે કસ્તૂરી કાકીને ભોજન લઈને મોકલી. નાગવાળાએ કસ્તૂરીને ઓળખી અને કહ્યું કે, “મારી પ્રતિજ્ઞા છે કે નાગમતી આવીને પોતાને હાથે જમાડે તો જમવું.”

કસ્તૂરીએ જઈને નાગમતીને એ સંદેશો કહ્યો. નાગમતી પોતાને હાથે સુંદર રસોઈ બનાવીને રથમાં બેસીને ખેતરમાં ગઈ. તેને જોઈને અનેક યુવકો આગળ આવ્યા. કસ્તૂરીએ તેમની આગળ ખુલાસો કર્યો કે, “પેલો ગાંડો રજપૂત પાંચ દિવસથી જમ્યો નથી, તેને જમાડવા રાજકુમારી આવ્યાં છે; માટે તમે બધા અહીંથી ચાલ્યા જાઓ.” નાગવાળાનું ધૂળથી ખરડાયલું શરીર તથા ઉજાગરાથી લાલચોળ થયેલી આંખો જોઈને નાગમતીને ઘણું લાગી આવ્યું. પોતાની ખાતર આ સુકુમાર રાજપુત્રને આવું સંકટ વેઠવું પડે છે, એ વિચારથી એનું હૃદય ભરાઈ આવ્યું. તે નાગવાળાને હળ છોડાવી દઇને એક વૃક્ષની પાસે લઈ ગઈ. નાગવાળાએ દાતણ કર્યું નહોતું, એટલે પોતાના કોમળ હસ્તવડે બાવળનું