પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૨
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



તાજું દાતણ તોડીને નાગવાળાને આપ્યું તથા સ્વચ્છ જળ આપીને મુખ ધોવડાવીને, ભોજન કરવાનો આગ્રહ કર્યો. નાગવાળાએ કહ્યું કે, “મારી પ્રતિજ્ઞા છે કે, તું જમાડે તો જ જમું.” નાગમતીએ પ્રેમપૂર્વક પોતાને હાથે તેને જમાડ્યો. ત્યાર પછી બન્ને જણાં વચ્ચે પ્રેમની ઘણી વાતો થઈ અને એ સંકેત નક્કી થયો કે આવતીકાલે શરદપૂર્ણિમાની રાતે મધ્ય રાત્રે ચંદ્ર બરોબર આકાશમાં આવે તે વખતે, નાગવાળાએ બે પાણીદાર અશ્વસહિત સરોવરકિનારાના શિવાલયમાં હાજર રહેવું. નાગમતીએ મહેલમાંથી ગુપ્તપણે નીકળી, એ સમયે શિવાલયમાં પહોંચવું અને ત્યાંથી બન્ને જણાંએ કોઈ ન જાણે એ રીતે વાગડની સીમાની બહાર ચાલ્યાં જવું.

પૂર્ણિમાની રાત્રિ આવી પહોંચી. નાગમતીએ સાથે લઈ જવા યોગ્ય ધન, અલંકાર, વસ્ત્ર તથા જરૂરી સામાન એક પોટલામાં કમરે બાંધી લીધાં. સાથે એક તલવાર અને કટાર પણ આત્મરક્ષણ સારૂ રાખી, મહેલની બારીએ એક રેશમની દોરી બાંધીને તેને આધારે નીચે ઉતરી પડી. કસ્તૂરી દાસીએ તેના ગયા પછી એ દોરી છોડી લઈને બાળી નાખી.

નાગમતી શહેરમાંથી નીકળી કિલ્લા પાસે આવી તો દરવાન દરવાજો બંધ કરીને સૂતો હતો. કસ્તૂરીએ પ્રથમથી એવી યોજના કરી હતી કે નાગમતીના પહોંચતાંવાર દરવાન દરવાજો ઉઘાડી દે; પણ છેલ્લી ઘડીએ દરવાન બદલાઈ ગયો. હવે એ કિલ્લાની પાસેના એક વૃક્ષ ઉપર ચઢી અને એના ઉપરથી છલંગ મારીને કોટની રંગ ઉપર આવી. હવે ત્યાંથી નીચે શી રીતે ઊતરવું એ મહાપ્રશ્ન હતો. આખરે એ વીર કન્યાએ પોતાની રેશમી સાડી કોટની રાંગમાંના બંદુકની ગોળી મારવાના એક છિદ્રમાં બાંધી અને એ સાડી પકડીને નીચે ઊતરી. સાડી ટૂંકી હતી, એટલે નાગમતીને જરાક ઊંચેથી ભૂસકો મારવો પડ્યો. એમ કરવાથી એના કોમળ અંગને ઈજા થઈ અને થોડી વાર મૂર્છા પણ આવી; પરંતુ ભાન આવતાં તે તરતજ પોતાના પ્રેમી નાગવાળાને મળવા ચાલી; પરંતુ આમ કરવામાં ધાર્યા કરતાં ઘણો વધારે સમય ચાલ્યો ગયો હતો. નાગવાળાએ નાગમતીને કહ્યું હતું કે, “મધ્યરાત્રી પછી તું જો નહિ આવે તો હું પ્રાણત્યાગ કરીશ.” નાગવાળો આતુરતાથી પ્રિયાની વાટ જોતો હતો, પરંતુ મધ્યરાત્રિનો સમય વીતી ગયો હતો અને પાછલા પહોરનો આરંભ થવા લાગ્યો