પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૭
રૂપસુંદરી

 ક્ષણિક આવેશમાં આવી જઈને મને મારો ક્ષાત્રધર્મ બજાવતાં શા સારૂ રોકો છો ? યુદ્ધમાં વિજયી થઈશ તો પાછો આવીને તમને આલિંગન દઈશ. પાછાં આપણે સુખ અને વૈભવમાં જીવન વ્યતીત કરીશું; પણ ઈશ્વરને જો ગુજરાતના રાજ્યની સ્વાધીનતા જાળવી રાખવાનું પસંદજ નહિ હોય, તો દેવની ગતિને આધીન થઈ સ્વર્ગલોકમાં યથાસમયે તને મળવાની રાહ જોતો બેસીશ. આવે સમયે તારે ઉદાસ વૃત્તિને ધારણ કરવી ન જોઈએ.”

વીરાંગનાને માટે આટલા શબ્દો પૂરતા હતા. રૂપસુંદરીને પોતાની દુર્બળતાનું ભાન થયું. તેણે ઘણા પ્રેમપૂર્વક રાજા જયશિખરીને રણક્ષેત્રમાં જવાની રજા આપી, એટલું જ નહિ પણ યુદ્ધમાં મરણિયા થઈને લડવાને રાજાને ઉત્સાહિત કર્યો.

રાજા જયશિખરી પત્ની રજા લઈને યુદ્ધક્ષેત્રમાં ગચો. ત્યાં એ ભુવડના અસંખ્ય સૈન્ય સાથે વીરતાથી લડ્યો, પરંતુ દેવ સાનુકૂળ નહિ હોવાથી એ યુદ્ધમાં સફળ થવાનાં કોઈ ચિહ્‌ન રાજા જયશિખરીને જણાયાં નહિ. રાજા જયશિખરીનો સાળો—રાણી રૂપસુંદરીનો ભાઈ શરપાળ પણ તેની સાથે યુદ્ધમાં હતો. રાજા જયશિખરીએ શૂરપાળને પોતાની પાસે એકાંતમાં લાવીને કહ્યું: “શૂરપાળજી ! આ યુદ્ધનું પરિણામ આપણા લાભમાં ઊતરે એવો સંભવ જણાતો નથી. હું તો આ રણભૂમિમાંજ કામ આવીશ, પણ મને આ વખતે તમારી બહેનનો વિચાર આકુળવ્યાકુળ કરી રહ્યો છે. એ આ વખતે સગર્ભા છે. એને હવે મહેલમાં રહેવા દેવી, એ જરા પણ સલાહભરેલું નથી. તમારા ઉપર મારો પૂર્ણ વિશ્વાસ છે. તમે જઇને એને કોઈ ગુપ્ત સ્થાનમાં મૂકી આવો, કે જેથી એ નિર્ભયપણે રહી શકે. એના ગર્ભમાંથી પુત્ર જન્મશે તો ચાવડા વંશનું નામ ઊભું રહેશે અને કોઈ પણ દિવસે મારી વહાલી ગુજરાતનો ઉદ્ધાર થવાનો સંભવ રહેશે. અત્યારે રાણી રૂપસુંદરીનું અને તેના ભાવી બાળકનું રક્ષણ કરવાની ઘણીજ જરૂર છે; અને એ કાર્ય તમારા વગર બીજા કોઈથી પાર ઊતરે એમ નથી.જાઓ ! સિધાવો ! અને વેળાસર યોગ્ય વ્યવસ્થા કરો !”

રાજાની આજ્ઞા મળતાંવારજ શૂરપાળ રાજભુવનમાં ગયો અને રાજાની ઈચ્છાનુસા૨ રૂપસુંદરીને લઈને વનમાં ચાલ્યો ગયો. રસ્તામાં જ્યારે રૂપસુંદરીને શૂરપાળના ઉદ્દેશની ખબર પડી ત્યારે તેણે ભાઈને ઘણો ઠપકો આપીને કહ્યું: “ભાઈ ! તમે આ કેવો