પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૭
સુલતાના રઝિયાબેગમ



એની ગાદીએ બેઠો, પણ આવડું મોટું સામ્રાજ્ય ચલાવવાની શક્તિ એનામાં નહોતી. એના અનેક સૂબાઓ પોતાના તાબાના પ્રાંત પચાવી પાડીને સ્વતંત્ર બનવા લાગ્યા. આવી સ્થિતિ જોઈને દિલ્હીના મુખ્ય સરદારોએ કુતુબુદ્દીનના જમાઈ અલ્તમશને દિલ્હી આવીને રાજ્યપ્રબંધ પોતાના હાથમાં લેવાની વિનંતિ કરી. અલ્તમશે આવી આરામશાહનો પરાજય કરી દિલ્હીનું રાજ્ય કબજામાં લીધું. અલ્તમશ સારા કુળમાં જન્મ પામ્યો હતો; પરંતુ મોટાભાઈએ તેને એક તુર્કને ત્યાં ગુલામ તરીકે વેચી નાખ્યો હતો. એ તુર્કે એના સોંદર્ય અને બુદ્ધિથી પ્રસન્ન થઈ એને સારૂં શિક્ષણ આપ્યું અને પુષ્કળ ધન લઈને કુતુબુદ્દીનને વેચ્યો. કુતુબુદ્દીને તેને ઈ○ સ○ ૧૧૯૬ માં ગ્વાલિયરનો કારભાર સોંપ્યો અને તેના ગુણ તથા સેવાથી પ્રસન્ન થઈ પોતાની પુત્રી પણ તેને પરણાવી. અલ્તમશે ઇ○ સ○ ૧૨૧૦ થી ૧૨૩૫ સુધી રાજ્ય કર્યું અને અનેક પ્રાંત જીતીને દિલ્હીની સત્તામાં વધારો કર્યો. ઈ○ સ○ ૧૨૩૬ માં એ પ્રતાપી બાદશાહનું મૃત્યુ થયું. તેની જગ્યાએ તેનો પુત્ર રૂકનુદીન ફિરોજશાહ ગાદીએ બેઠો. એ ઘણોજ દુર્ગુણી, વ્યસની અને જુલ્મી રાજા હતો. રાજા શિવપ્રસાદ ‘ઈતિહાસ તિમિરનાશક’ ગ્રંથમાં એના સંબંધમાં લખે છે કે, “એને તો રાતદિવસ ભાંડ અને વેશ્યાઓનું કામ હતું. નશો કરવો અને તમાશા જોવા એજ વિનોદ આઠે પહોર ચાલ્યા કરતો હતો. રાજ્ય માને ભરોસે છોડ્યું હતું. ખજાનો ખોટાં ખર્ચોમાં લૂંટાવી દેવામાં આવતો હતો. એની મા પણ ઘણી જુલમી હતી.” પ્રજા તેમજ સરદારો માતા અને પુત્રથી ત્રાસી ગયા, એમણે એ બન્નેને કેદ પકડ્યાં અને રૂકનુદ્દીનની બહેન ને બાદશાહ અલ્તમશની પુત્રી રઝિયાને સર્વાનુમતે રાજસિંહાસન ઉપર બેસાડી. ભારતના મુસ્લિમ ઇતિહાસમાં પ્રથમ વાર જ એક રમણીને રાજકર્મી થવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું. દિલ્હીના સિંહાસન ઉપર બિરાજનાર તો રઝિયા પહેલી અને છેલ્લી મહિલા હતી. અયોગ્ય રાજ્યકર્તાને લીધે રાજ્ય પર આવી પડેલી ઘોર આપત્તિ સમયે પ્રજા તેમજ સરદારોએ એક મતે રઝિયાને જ પસંદ કરી, એજ બતાવી આપે છે કે એ ઘણી સુયોગ્ય, વિદુષી અને રાજકાર્યકુશળ સ્ત્રી હોવી જોઈએ.

અલ્તમશ પોતે ઘણો સુંદર હતો. એટલે અપૂર્વ સૌંદર્ય તો રઝિયાને વારસામાં મળ્યું હતું, તે ઉપરાંત પિતાને એના ઉપર