પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૯
સુલતાના રઝિયા બેગમ



લેશ પણ ભાર લાગનાર નથી. આ વીસ પુત્રોના અંગમાં જેટલું પાણી છે તે કરતાં આ પુત્રીમાં વિશેષ છે.” પિતાની ગેરહાજરીમાં તેણે એવા ઉત્તમ પ્રકારે રાજકારભાર ચલાવ્યો કે, લોકોએ તેના સંબંધમાં બાંધેલી શુભાશાઓ પૂર્ણ થઈ.

રઝિયા જોકે તરુણ હતી તોપણ તે પોતાની જવાબદારી સંપૂર્ણ રીતે જાણતી હતી. ન્યાય અને દયાપૂર્વક રાજ્ય ચલાવવાનો એણે નિશ્ચય કર્યો હતો. એની વૃત્તિ ઘણી ધાર્મિક હોવાથી, એ દરરોજ ઈશ્વરને પ્રાર્થના કરતી કે, “હે ખુદા ! મને બુદ્ધિ અને બળ આપ કે જેથી હું સત્કાર્યમાં પ્રવૃત્ત થાઉં અને મારા હાથમાં સોંપાયલી રૈયતનું કલ્યાણ કરૂં.” રઝિયાએ કોઈના ઉપર અન્યાય કે જુલમ નહોતો કર્યો. એના સુશાસનથી બધા પ્રસન્ન થતા; એટલે સુધી કે જેમનો હક્ક ડુબાડીને પિતાએ રાજ્યવહિવટ એને સોંપ્યો હતો, તે શાહજાદાઓ પણ બહેન ઉપર બહુ પ્રસન્ન હતા; કેમકે એમને પોતાનું પેન્શન વખતસર મળી જતું. ઇ. સ. ૧૨૩૨માં અલ્તમશ વિજય પ્રાપ્ત કરીને દિલ્હી પાછો ફર્યો ત્યારે રઝિયાએ રાજ્યનો બધો કારભાર એને સોંપી દીધો અને પોતે આજ્ઞાંકિત પુત્રી તરીકે મહેલમાં વસવા અને વિદ્યાધ્યયનમાં પોતાનો સમય ગાળવા લાગી.

પિતાના મૃત્યુ અને રૂકનુદ્દીનના પદભ્રષ્ટ થયા પછી એ સુલતાના બની. એણે ‘પડદા’નો ત્યાગ કરીને પુરુષની માફક જ રાજ્યતંત્ર ચલાવવા માંડ્યું.

રાજા શિવપ્રસાદ “સિતારે–હિંદ” નામના પોતાના ઈતિહાસમાં લખે છે: “એ દરરોજ બાદશાહની પેઠે કબા (ઝબ્ભો) અને તાજ પહેરીને તખ્ત ઉપર બિરાજીને દરબાર ભરતી હતી. મોં ઉપર નકાબ–ઘૂંઘટ કદી નાખતી નહિ અને શુદ્ધ ન્યાય આપીને લોકોની ફરિયાદ સાંભળતી હતી. યુદ્ધના સમયમાં એ બધી સેનાને મોખરે હાથી ઉપર સવાર થઈને જતી અને જાતેજ સૈન્યને ચલાવતી હતી. રાજ્યનો બધો કારભાર જાતે ચલાવતી, જેથી અમલદારોને કાંઈ અસાવધાની કરવાનો પ્રસંગ જ નહોતો મળતો. એણે કેટલાએ સારા અને નવા સુધારાઓ દાખલ કર્યા અને સારા કાયદાઓ ઘડ્યા હતા. બધાંને એ કાયદા પ્રમાણે ચલાવવાનો પ્રયત્ન કરતી હતી. ગરીબ અને દુઃખીઓ ઉપર તેને બહુ દયા આવતી હતી. એ ઘણી લાગણીપૂર્વક ન્યાય કરતી અને એક ઉદાર